અમદાવાદ શહેરમાં રોડ બેસી જવાની અને ભુવા પડવાની પરંપરા ચાલુ જ રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારને જોડતા સૌથી વ્યસ્ત એવા કાંકરિયા-મણીનગર રોડ પર અચાનક મસમોટો ભુવો પડી ગયો છે. આ ખાડો અંદાજે 15 ફૂટ કરતાં પણ વધુ ઊંડો હોવાથી રોડ પરથી પસાર થતાં વાહનો ખાડામાં ખાબકે તેવી દહેશત હતી. જેને પગલે એએમસી (AMC) ના એન્જિનિયરિંગ વિભાગે તાકીદે એક તરફનો આખો રોડ બ્લોક કરી દીધો છે અને ખાડાને પૂરવા તેમજ પાઇપલાઇન રિપેર કરવાની કામગીરી હાથ ધરી છે.
કાંકરિયા-મણીનગર રોડ પર પડ્યો 15 ફૂટ ઊંડો ભુવો
પરંતુ, આ સરકારી કામગીરી જે પદ્ધતિથી થઈ રહી છે તેણે નિયમોના પાલન સામે મોટા સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે કાયદા મુજબ, ૧૦ ફૂટથી ઊંડા ખાડામાં જ્યારે કોઈ શ્રમિક કામ માટે ઉતરે ત્યારે તેની પાસે સેફ્ટી હેલ્મેટ, પ્રોટેક્ટિવ શૂઝ અને બોડી હાર્નેસ બેલ્ટ હોવો અનિવાર્ય છે, જેથી જો માટી ધસી પડે તો તેને તુરંત બહાર ખેંચી શકાય. પરંતુ મણીનગર સાઇટ પર કોન્ટ્રાક્ટરના માણસો કોઈપણ સેફ્ટી ગિયર વિના જ કાદવ-કીચડ અને 15 ફૂટ ઊંડી ખાઈમાં ઉતરીને કામ કરી રહ્યા છે. શ્રમિકોના માથા પર હેલ્મેટ સુદ્ધાં નથી.
