અમદાવાદ શહેરમાં અગાઉ પકડાયેલા અધધ રૂ. 25.64 કરોડના જંગી ડ્રગ્સ કેસ માં ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસનો ધમધમાટ વધારવામાં આવ્યો છે. આ ડ્રગ્સ પ્રકરણની સઘન તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા રહસ્યો બહાર આવી રહ્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ ડ્રગ્સનો જથ્થો કોઈ સામાન્ય રસ્તે નહીં પરંતુ દેશના ત્રણ સંવેદનશીલ સરહદી વિસ્તારોમાંથી સપ્લાય કરવામાં આવતો હતો. સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે આ ડ્રગ્સ માફિયાઓએ અપનાવેલી મોડસ ઓપરેન્ડી જોઈને તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

હવાલાથી નાણાં વિદેશ મોકલાતા અને નવા સપ્લાયરોના નામ ખુલ્યા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા સરહદ પારથી ગેરકાયદે માલ મોકલવા માટે આધુનિક ડ્રોન (Drone) ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવતો હતો. ડ્રોન દ્વારા આંતરરાષ્ટ્રીય કે રાજ્યની સરહદથી અંદર ત્રણ કિલોમીટર સુધી ડ્રગ્સની હેરાફેરી અને ડિલિવરી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, પરંતુ ડ્રગ્સના વેચાણથી મળતી કરોડો રૂપિયાની માતબર રકમ હવાલા માધ્યમથી વિદેશમાં મોકલી આપવામાં આવતી હતી. ગુજરાતની યુવાધન બરબાદ કરવા માટે આ સપ્લાયરો રાજ્યમાં પાકું નેટવર્ક ઊભું કરવા આવ્યા હતા, જેમાં તપાસ દરમિયાન વધુ ત્રણ નવા ડ્રગ સપ્લાયરોના નામ પણ ખૂલી ગયા છે.

ડ્રગ્સ માફિયાઓની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ

આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને ગુનેગારોના આર્થિક સામ્રાજ્યને તોડી પાડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ડ્રગ્સના કાળા કારોબારથી ગેરકાયદે સંપત્તિ ઊભી કરનાર આરોપીઓની ઓળખ કરીને તેમની મિલકતો ટાંચમાં લેવા અને જપ્ત કરવાની સત્તાવાર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. કાયદાના આ સકંજાથી ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે, અને આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો : Vadodaraમાં સુરક્ષાનું કવચ મજબૂત, શહેરમાં 2,700 થી વધુ CCTV કેમેરા દ્વારા પોલીસ અને પાલિકા તંત્ર રાખશે સંયુક્ત નજર!