ગુજરાતની સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. શહેરમાં નાગરિકોની સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે હવે 2700 થી વધુ CCTV કેમેરા નું વિશાળ નેટવર્ક ગોઠવી દેવામાં આવ્યું છે. આ સમગ્ર સુરક્ષા વ્યવસ્થા પર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન (પાલિકા) તંત્ર દ્વારા સંયુક્ત રીતે નજર રાખવામાં આવી રહી છે, જેથી શહેરમાં બનતી દરેક શંકાસ્પદ ગતિવિધિ પર બાજ નજર રાખી શકાય.
વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ પાલિકાને મળ્યા 1300 નવા CCTV
સરકારના મહત્વાકાંક્ષી 'વિશ્વાસ' (VISWAS) પ્રોજેક્ટ અંતર્ગત તાજેતરમાં જ પાલિકાને વધુ 1300 CCTV કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેના કારણે કેમેરાની કુલ સંખ્યામાં મોટો વધારો થયો છે. તંત્ર ભલે સુરક્ષાના દાવા કરી રહ્યું હોય, પરંતુ બીજી તરફ શહેરીજનો અને નાગરિકો દ્વારા આ સિસ્ટમની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. નાગરિકોનું સ્પષ્ટપણે કહેવું છે કે CCTV કેમેરાનો ઉપયોગ માત્ર સામાન્ય જનતા પાસેથી દંડ વસૂલવા માટે જ ન થવો જોઈએ.
