સુરતની જાણીતી અને મોટી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર સર્જાતી વ્યવસ્થાકીય અરાજકતા અને વિવાદો વચ્ચે તાજેતરમાં વ્હીલચેરને લઈને ભારે હોબાળો મચી ગયો હતો. હોસ્પિટલ પરિસરમાં દર્દીઓને યોગ્ય સમયે વ્હીલચેર ન મળવાના કારણે થયેલા વિવાદ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આ સમગ્ર મામલે હોસ્પિટલના RMO ડૉ. લક્ષ્મણ ટહેલિયાણી દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં હોસ્પિટલની વ્યવસ્થાઓનો બચાવ કરતા સમગ્ર ઘટનાક્રમની સ્પષ્ટતા કરવામાં આવી છે.

સ્ટ્રેચર પર જવાનું કહેતા પરિવારે કર્યો હોબાળો

RMO ડૉ. લક્ષ્મણ ટહેલિયાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં વ્હીલચેર અને સ્ટ્રેચર ઉપલબ્ધ જ છે અને ખાસ કરીને કિડની બિલ્ડિંગમાં પાંચ વ્હીલચેર નિયમિતપણે રાખવામાં આવે છે. પરંતુ ઘટનાના દિવસે અચાનક દર્દીઓનો ભારે ધસારો થવાથી અને મોટાભાગની વ્હીલચેર OPD વિભાગમાં દર્દીઓને લઈ જવા માટે ઉપયોગમાં હોવાથી તે સમયે સ્થળ પર વ્હીલચેર ઉપલબ્ધ નહોતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીને વ્હીલચેરના બદલે સ્ટ્રેચર પર લઈ જવાની વિનંતી કરવામાં આવતા દર્દીના પરિવારે ઉશ્કેરાઈને હોબાળો મચાવ્યો હતો.

દર્દીઓને અગવડ ન પડે તેવી વ્યવસ્થાનો દાવો

તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે દર્દીના સ્વજનો એટલા આક્રમક બની ગયા હતા કે તેઓ હોસ્પિટલના કર્મચારીઓ અને સિક્યોરિટી ગાર્ડ્સ પાસે જઈને વ્હીલચેર ક્યાં મોકલાઈ છે તેનો હિસાબ માંગવા લાગ્યા હતા અને સિક્યોરિટી સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ હોબાળાના કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. RMO એ અંતમાં ખાતરી આપી છે કે સિવિલ હોસ્પિટલમાં આવતા કોઈપણ દર્દીને અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા હંમેશાં પૂરતી અને સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે.

આ પણ વાંચો : Patan News : સૂકા તળાવમાં પાણી આવતા જગતનો તાત ખુશખુશાલ, રવિ પાકને નવજીવન મળતા ખેડૂતોએ માન્યો આભાર