અમદાવાદ શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટ લાઈફલાઈન ગણાતી અમદાવાદ મેટ્રો એ એક નવો ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો છે.શહેરમાં ટ્રાફિક મુક્ત અને ઝડપી મુસાફરી પૂરી પાડતી મેટ્રો ટ્રેનમાં હવે રોજિંદા ધોરણે મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.તાજેતરમાં જ કોઈ પણ મેગા ઈવેન્ટ, ક્રિકેટ મેચ કે કોન્સર્ટ વગર સામાન્ય દિવસોમાં જ અમદાવાદ મેટ્રોએ પ્રતિદિન 2 લાખથી વધુ મુસાફરોની રાઈડરશિપનો આંકડો સફળતાપૂર્વક સ્પર્શ્યો છે.

સામાન્ય દિવસોમાં સરેરાશ 2 લાખ મુસાફરી

સામાન્ય રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાતી IPL કે વર્લ્ડ કપ જેવી હાઈ-વોલ્ટેજ ક્રિકેટ મેચો, વિશાળ મ્યુઝિક કોન્સર્ટ કે મોટા ઉત્સવો દરમિયાન મેટ્રો સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે.પરંતુ ચાલુ ઓગસ્ટ માસ દરમિયાન કોઈ પણ વિશેષ આયોજન વગર રોજના સામાન્ય દિવસોમાં પણ 2 લાખ જેટલા લોકોએ મેટ્રો સેવા આપનાવી છે.ખાસ કરીને 10 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ અમદાવાદ મેટ્રોમાં 2 લાખથી વધુ નાગરિકોએ મુસાફરી કરીને એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે, જે દર્શાવે છે કે મેટ્રો હવે શહેરીજનોના દૈનિક જીવનનો અવિભાજ્ય ભાગ બની ગઈ છે.

સુરક્ષિત અને સમયસર સેવા બદલ વધતો વિશ્વાસ

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોને સાંકળતી મેટ્રો ટ્રેન હવે નોકરિયાતો,વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે પ્રથમ પસંદગી બની ગઈ છે.રસ્તા પરના ટ્રાફિક જામ, પાર્કિંગની સમસ્યા અને સમયનો બગાડ અટકાવવા માટે લોકો હવે પોતાના અંગત વાહનો છોડીને મેટ્રો તરફ વળી રહ્યા છે.મેટ્રો તંત્ર દ્વારા આપવામાં આવતી સમયસરની સેવાઓ,આધુનિક સુવિધાઓ,સુરક્ષિત વાતાવરણ અને વાતાનુકૂલિત (AC) સફરના કારણે મુસાફરોનો વિશ્વાસ દિન-પ્રતિદિન વધુ મજબૂત બની રહ્યો છે. મુસાફરોના સતત મળી રહેલા સાથ અને પ્રતિસાદને કારણે અમદાવાદ મેટ્રોની સેવાઓ વધુ સક્ષમ અને સુદ્રઢ બની રહી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: દુષ્કર્મ કેસમાં દોષિત પિયુષ જેઠવાને કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી