અમદાવાદ શહેરના પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ 3 વિસ્તાર માત્ર કાગળ પરની મંજૂરીઓ પૂરતો સીમિત ન રહેતા હવે પ્રત્યક્ષ જમીની તૈયારીઓના તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા આ પ્રસ્તાવિત ફેઝ માટે પ્રાથમિક બાંધકામ અગાઉની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેમાં આ કોરિડોરના મુખ્ય માર્ગો પર આવતી ભૂગર્ભ અને ઉપરની સેવાઓ એટલે કે યુટિલિટી શિફ્ટિંગનું કામ સૌથી પહેલા હાથ ધરવામાં આવ્યું છે.

રૂ. 35.81 કરોડના ખર્ચે યુટિલિટી શિફ્ટિંગ માટે 4 પેકેજ જાહેર

મુખ્ય સિવિલ બાંધકામ શરૂ થાય તે પહેલાં રસ્તામાં આવતી વિવિધ નાગરિક સુવિધાઓને સુરક્ષિત જગ્યાએ ખસેડવી અત્યંત જરૂરી હોય છે. આ માટે GMRC દ્વારા રૂ. 35.81 કરોડના મૂલ્યના યુટિલિટી શિફ્ટિંગના 4 અલગ-અલગ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. આ કામગીરી હેઠળ પાણીની પાઇપલાઇનો, વીજળીના કેબલો, ગેસ નેટવર્ક, ગટર વ્યવસ્થા અને ટેલિકોમ કેબલ્સ જેવા મહત્વપૂર્ણ અંડરગ્રાઉન્ડ સેટઅપને અન્યત્ર ખસેડવામાં અથવા સુરક્ષિત કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં થનારા મોટા પાયાના બાંધકામ દરમિયાન શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓની કોઈ તકલીફ ન પડે.

Ahmedabad Metro Phase 3 Expansion Pre-Construction Starts, PIB Approves Proposal (1)

60 કિમી લાંબો કોરિડોર, PIB ની મંજૂરી બાદ કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડીની રાહ

અમદાવાદ મેટ્રોના પ્રસ્તાવિત ફેઝ 3નો વિસ્તાર થલતેજ ગામથી સનાથલ થઈને બદ્રાબાદ સુધી રહેશે. આ પ્રોજેક્ટને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (PIB) તરફથી મંજૂરી મળી ગઈ છે. હવે આ પ્રસ્તાવને આખરી મંજૂરી માટે કેન્દ્રીય કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારની આખરી મંજૂરી, જમીન સંપાદનની પ્રક્રિયા અને ટેન્ડરિંગ પૂર્ણ થયા બાદ સિવિલ કામગીરી શરૂ કરી દેવાશે. આશરે 60 કિમી લાંબો આ વિસ્તાર અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવે નજીકથી પસાર થશે, જે ભવિષ્યમાં પ્રસ્તાવિત ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધીની મેટ્રો કનેક્ટિવિટી માટે મજબૂત પાયો તૈયાર કરશે.

Ahmedabad Metro Phase 3 Expansion Pre-Construction Starts, PIB Approves Proposal (2)

થલતેજ, બોપલ, સનાથલ અને SWASA સુધી સ્પ્રેડ થયેલું નેટવર્ક

આ નવો મેટ્રો રૂટ શીલજ કેનાલ રોડ વિસ્તારમાંથી શરૂ થઈને સરદાર પટેલ રિંગ રોડને સમાંતર આગળ વધશે. જે બોપલ ચાર રસ્તા અને શાંતિપુરા ચાર રસ્તા થઈને બદ્રાબાદ સુધી પહોંચશે. આ ઉપરાંત, થલતેજ ગામથી ગોધાવી ખાતે આવેલા સાઉથ વેસ્ટ અમદાવાદ સ્પોર્ટ્સ એરેના (SWASA) સુધી પણ લાઇન લંબાવાશે. વર્ષ 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય રમતગમતના આયોજનો માટે આ વિસ્તાર મહત્વનો હોવાથી SWASA સુધી ડાયરેક્ટ મેટ્રો કનેક્ટિવિટી આપવાનું આયોજન છે. અમદાવાદ મેટ્રો ફેઝ 3માં કુલ 41 એલિવેટેડ સ્ટેશનો બનાવવાનું પ્રસ્તાવિત છે.

Ahmedabad Metro Phase 3 Expansion Pre-Construction Starts, PIB Approves Proposal (3)

અમદાવાદને મળશે પ્રથમ સર્ક્યુલર મેટ્રો રૂટ: વાડજથી શરૂ થઈને વાડજમાં પૂરું થશે

PIB દ્વારા અમદાવાદ માટે પ્રથમ સર્ક્યુલર મેટ્રો કોરિડોરને પણ મંજૂરી આપવામાં આવી છે. આ રૂટ પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ અમદાવાદને એક રિંગ લૂપમાં જોડશે. વાડજથી શરૂ થઈને આ સર્ક્યુલર મેટ્રો અખબારનગર, નારણપુરા, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, જીવરાજ પાર્ક, APMC, પીરાણા ચાર રસ્તા, કોઝી હોટેલ, ઈસનપુર, અમરાઈવાડી, રખિયાલ રોડ, સૈજપુર બોઘા, કલાપીનગર, ગિરધરનગર અને દુધેશ્વર થઈને પરત વાડજ પહોંચશે.

  • અખબારનગર
  • નારણપુરા
  • શિવરંજની
  • શ્યામલ ક્રોસરોડ્સ
  • જીવરાજ પાર્ક
  • એપીએમસી
  • પીરાણા
  • ઈસનપુર
  • અમરાઈવાડી
  • રખિયાલ રોડ
  • દૂધેશ્વર'

4 મોટા ઇન્ટરચેન્જ સ્ટેશનોથી મુસાફરી સરળ બનશે અને ટ્રાફિકનું ભારણ ઘટશે

સર્ક્યુલર મેટ્રો એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, જેથી તે વર્તમાન મેટ્રો નેટવર્કને અનેક સ્થળોએ ઇન્ટરચેન્જ કરશે. મુસાફરોએ સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (CBD) માં ગયા વિના જ શહેરના એક છેડેથી બીજા છેડે સીધા મુસાફરી કરી શકશે. જેનાથી મુસાફરીનો સમય બચશે. ગુજરાત યુનિવર્સિટી, APMC, અમરાઈવાડી અને વાડજ ખાતે મોટા ઇન્ટરચેન્જ સ્ટેશનો પ્રસ્તાવિત કરાયા છે, જ્યાંથી પેસેન્જરો ઈસ્ટ-વેસ્ટ અને નોર્થ-સાઉથની જૂની લાઈનો પર સરળતાથી સ્વિચ થઈ શકશે.

41 નવા એલિવેટેડ સ્ટેશનો અને હાઇબ્રિડ Metro-RRTS કોરિડોર માટે ટેન્ડર પ્રસિદ્ધ

અમદાવાદ મેટ્રો ફેઝ 3 ના સમગ્ર 60 કિલોમીટરના નેટવર્ક પર કુલ 41 એલિવેટેડ મેટ્રો સ્ટેશનો બનાવવામાં આવશે. પ્રોજેક્ટની કામગીરીને ઝડપી બનાવવા માટે GMRC એ મેટ્રો કમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (Metro-RRTS) ના 48.38 કિલોમીટરના હાઇબ્રિડ કોરિડોર માટે ડિટેઇલ્ડ ડિઝાઇન કન્સલ્ટન્સીના 3 નવા ટેન્ડરો પણ બહાર પાડ્યા છે.

Ahmedabad Metro Phase 3 Expansion: Pre-Construction Starts, PIB Approves Proposal

આ ટેન્ડરોમાં બિડ જમા કરાવવાની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ બપોરે 15:00 કલાક સુધીની રાખવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરનું આધુનિક ટ્રાન્સપોર્ટ મોડેલ

અત્યાર સુધીમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટે પોતાના પ્રથમ બે તબક્કામાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે 68.5 કિલોમીટરનું નેટવર્ક સફળતાપૂર્વક કાર્યરત અને વિસ્તૃત કર્યું છે. ફેઝ 2A અને 2B નું કામ હાલ પ્રગતિ હેઠળ છે, ત્યારે ફેઝ 3 ના અમલીકરણથી અમદાવાદના પશ્ચિમી અને દક્ષિણી આઉટર વિસ્તારના રહેણાંક, વ્યાપારી અને શૈક્ષણિક હબ્સ સીધા જ મેટ્રો સાથે જોડાઈ જશે. કેન્દ્ર સરકારની અંતિમ મંજૂરી મળતા જ જમીની બાંધકામ ધમધમતું થશે.

આ પણ વાંચો - Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો! સાંતેજના પ્રોહિબીશન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો