અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની દિશામાં વધુ એક મહત્વની કામગીરી કરતા ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે બોડકદેવ-આંબલી રોડ પર આવેલી રેલવે સ્ટેશનના ગેટ પાસેથી આરોપી મનહરભાઇ બાબુભાઇ તળપદાને દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
આરોપી સામે અગાઉ પ્રોહિબીશન, જી.પી. એક્ટ અને PASA હેઠળ 7 ગુના નોંધાયેલા
ઝડપાયેલો આરોપી મનહરભાઇ તળપદા રીઢો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી છે. તેની સામે અગાઉ પ્રોહિબીશન અને જી.પી. એક્ટ હેઠળ કુલ 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ, બોડકદેવ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જેવા વિસ્તારોમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી થયેલી છે. આ ઉપરાંત તેની અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં તેની સામે પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.
