અમદાવાદમાં સગીર બાળકોના અપહરણ અને માનવ તસ્કરી આચરતા એક મોટો નેટવર્કનો ખુલાસો થતાં ચકચાર મચી ગઈ છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ત્રણ અપહરણ કરાયેલા માસૂમ બાળકોને આરોપીઓના ચુસ્ત શિકંજામાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે. બાળકો પાસે ગેરકાયદેસર રીતે અને બળજબરીથી મજૂરી કરાવવાના આ ગંભીર ગુનામાં પોલીસે દિનેશ ઓડ અને ભરત ભરવાડ નામના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકનો ઉપયોગ પશુપાલન અને મજૂરીના કામ માટે કરાતો
પોલીસની પ્રાથમિક તપાસમાં માનવ તસ્કરીની અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી દિનેશ ઓડે એક 14 વર્ષીય સગીર કિશોરનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને ચોક્કસ રકમ મેળવવાના લોભમાં માત્ર 10 હજાર રૂપિયામાં ભરત ભરવાડને વેચી દીધો હતો.તસ્કરી કરીને લાવવામાં આવેલા આ માસૂમ બાળકનો ઉપયોગ પશુપાલન અને મજૂરીના કામ માટે કરવામાં આવતો હતો.પોલીસે જ્યારે ભરત ભરવાડની વધુ પૂછપરછ કરી ત્યારે આ નેટવર્કની ભયાનકતા વધુ સામે આવી હતી.
ત્રણેય સગીરોને નરાધમોના પંજામાંથી સુરક્ષિત રીતે છોડાવ્યા
ભરત ભરવાડ અને તેના ભાઈ રણછોડભાઈ મળીને કુલ ત્રણ સગીર બાળકોને પોતાના કબજામાં રાખીને તેમની પાસે અમાનવીય રીતે બળજબરીપૂર્વક મજૂરી કરાવતા હતા.આ બંને ભાઈઓ અત્યંત આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને લક્ષ્ય બનાવતા હતા.શોષણની પરાકાષ્ઠા તો એ હતી કે બાળકો પાસે આખો દિવસ કાળી મજૂરી કરાવ્યા બાદ તેમના ગરીબ માતા-પિતાને આખા વર્ષ દરમિયાન માત્ર 500થી 1 હજાર રૂપિયા જેવી નજીવી રકમ આપીને આખી જિંદગીનું શોષણ કરતા હતા.ક્રાઈમ બ્રાન્ચે સમયસૂચકતા દાખવીને ત્રણેય સગીરોને નરાધમોના પંજામાંથી સુરક્ષિત રીતે છોડાવ્યા છે અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને બાળકોને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું છે.
પરિવારજનોના આંખમાં હરખના આંસુ આવી ગયા
રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકો મૂળ પંચમહાલના નંદીસર અને વડોદરાના છાણી વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.પોતાના ખોવાયેલા બાળકોને સહીસલામત જોઈને પરિવારજનોના આંખમાં હરખના આંસુ આવી ગયા હતા.હાલમાં બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે,શું અગાઉ પણ આ જ રીતે અન્ય બાળકોના અપહરણ કરીને વેચવામાં આવ્યા છે કે કેમ, અને ભરતનો ભાઈ રણછોડ ક્યાં છુપાયેલો છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો