અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં એક દારુ પાર્ટી યોજાઈ હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પ્રસંગમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી પણ હાજર હોવાની વિગતો સામે આવી હતી. આ વીડિયો વાયરલ થતાં જ અનેક સવાલો ઉભા થયા હતાં. સમગ્ર બાબતે આજે ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીએ કહ્યું હતું કે, એક કાર્યકરે અમને આમંત્રણ આપ્યું હતું અને ધાર્મિક પ્રસંગ હોવાથી મારે ત્યાં જવાનું થયું હતું. આ કાર્યક્રમને દારૂપાર્ટીના વીડિયો સાથે જોડીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. 

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું

ધારાસભ્ય ડો. પાયલ કુકરાણીએ કહ્યું હતું કે, સરદારનગર વોર્ડના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નંદીગ્રામની સોસાયટીમાં રહે છે અને તેમના દ્વારા વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.જે પરિવારના નિવાસસ્થાને આ પૂજન રાખવામાં આવ્યું હતું તે વ્યક્તિએ ભૂતકાળમાં ભારતીય સેનામાં પોતાની નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી છે.દેશની સેનામાં ફરજ બજાવનાર સૈનિકો અને એક્સ આર્મીમેન પ્રત્યે સમાજમાં હંમેશાં વિશેષ માન સન્માન હોય છે. આ દેશભક્ત પરિવાર દ્વારા આયોજિત વાસ્તુપૂજન એક સંપૂર્ણ પવિત્ર ધાર્મિક પ્રસંગ હોવાના કારણે તેઓ બપોરે ત્યાં હાજરી આપવા માટે ગયા હતા.તે દિવસે સવારના સમયે ત્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હવનનો ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો જેમાં તેઓ સહભાગી બન્યા હતા.

સરદારનગરની દારૂ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો

આ દરમિયાન સોશિયલ મીડિયામાં સરદારનગરની દારૂ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો હતો.જેને કેટલાક અસામાજિક કે બદઇરાદો ધરાવતા લોકો દ્વારા જાણીજોઈને આ વાસ્તુ પૂજનના કાર્યક્રમ સાથે જોડવામાં આવી રહ્યો છે.ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં આક્ષેપ નકારી કાઢતા કહ્યું કે આ પવિત્ર ધાર્મિક પ્રસંગને દારૂ પાર્ટી સાથે જોડવાની બાબત તદ્દન પાયાવિહોણી,ગેરવાજબી અને અયોગ્ય છે.આ પ્રકારની હરકત દ્વારા તેમને તેમજ પૂર્વ સૈનિકના પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થયો છે.વીડિયો સામે આવતાની સાથે જ તેમણે સમગ્ર બાબતને અત્યંત ગંભીરતાથી લીધી હતી.ખોટી રીતે વાયરલ કરવામાં આવી રહેલા આ વીડિયો વિરુદ્ધ કડક લીગલ એક્શન લેવા માટે પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, આ સમગ્ર બાબતે પોલીસને પણ જાણ કરાઈ છે. 

આ પણ વાંચોઃ Rajkot News: જંગલેશ્વરમાં આલિશાન બંગલાની છત પર બાર બનાવ્યા હતાં, ડિમોલિશન બાદ ક્રાઈમ રેટ ઘટ્યોઃ પ્રદિપ ડવ