ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે વહેલા વરસાદની આશા રાખતા નાગરિકો અને ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર,આ વર્ષે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનમાં થોડો વિલંબ જોવા મળી શકે છે. વૈશ્વિક સ્તરે અલ નીનોની અસર સક્રિય હોવાને કારણે ચોમાસાની ગતિ ધીમી પડી છે.જેના લીધે ચોમાસા માટે હજુ થોડી રાહ જોવી પડશે.


બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે.સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આકરી આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને પવન ફૂંકાશે.આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી સંભાવના છે.

હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. હાલમાં ચોમાસું મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં તે દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના વધુ ભાગોમાં પહોંચે તેવી સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.ગુજરાતમાં હાલમાં નીચલા સ્તરે નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા છે. 

મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય

અમદાવાદ શહેરમાં શનિવારે મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું,જે સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં શહેરમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેવાની અને મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.રાજ્યમાં અન્યત્ર જોઈએ તો ભાવનગરમાં 41.9 ડિગ્રી અને ગાંધીનગરમાં40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

આ પણ વાંચોઃ Viramgam: ધ્રાંગધ્રા હાઇવે પર બે ટ્રકો વચ્ચે ભયાનક ટક્કર, ટ્રક ચાલકનું ઘટનાસ્થળે નીપજ્યું કરુણ મોત



  • Follow us on: