અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે દર વર્ષે ચોમાસામાં કોર્પોરેશનની નબળી કામગીરી ઉજાગર થાય છે. તાજેતરમાં અમદાવાદના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારના એસ.જી. હાઇવે નજીક આવેલા રાજપથ રંગોલી રોડ પર સામાન્ય વરસાદ બાદ રસ્તો અચાનક બેસી ગયો હતો. ચાલુ ટ્રાફિકે રોડ બેસી જતાં એક મોટો ભૂવો પડ્યો અને ત્યાંથી પસાર થતી આઇ-20 કારનો આગળનો મોટો હિસ્સો ભૂવામાં ખાબક્યો હતો. કાર નીચે ધસી જતાં આસપાસના વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે કારની સ્પીડ મર્યાદિત હોવાથી ચાલક સુરક્ષિત બહાર નીકળ્યો હતો, પરંતુ આ ઘટનાએ તંત્રની પોલ ખોલી નાખી છે.

ચોમાસામાં કોર્પોરેશનની નબળી કામગીરી

બીજી બાજુ, શહેરમાં વરસાદ બંધ થયાને 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો પર "ખાડારાજ" યથાવત જોવા મળી રહ્યું છે. સત્તાવાર અહેવાલ મુજબ, પશ્ચિમના નારણપુરા, વેજલપુર, વાસણા તેમજ સાબરમતી જેવા ગીચ વિસ્તારો સહિત શહેરમાં હજુ ૩૦થી વધુ સ્થળોએ જોખમી ખાડાઓ પૂરવામાં આવ્યા નથી. વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને વાસણા અને અન્ય પરા વિસ્તારોના આશરે ૫ જેટલા રસ્તાઓ હાલમાં બંધ કરી દેવાની ફરજ પડી છે, જેને કારણે સવારે અને સાંજના પીક અવર્સમાં લાંબો ટ્રાફિક જામ સર્જાય છે.

સામાન્ય વરસાદ બાદ રસ્તો અચાનક બેસી ગયો

નાગરિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા દર વર્ષે રસ્તાઓ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે છતાં પાણીની પાઇપલાઇન કે ગટર લાઇન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન થવાથી રસ્તાઓ બેસી જાય છે. તંત્ર ભલે 1584 ટન હોટમિક્સ વાપરીને રસ્તાઓ સમથળ કરવાનો મોટો દાવો કરી રહ્યું હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે ખાડાઓની ઉપર માત્ર થીગડા મારીને સંતોષ માનવામાં આવી રહ્યો છે જે સામાન્ય વરસાદમાં ફરી ધોવાઈ જાય છે. સ્થાનિકોએ સત્વરે આ ખાડાઓનું વૈજ્ઞાનિક ઢબે કાયમી સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.

આ પણ વાંચો: Surat: સુમુલ ડેરી પર ભાજપનો ભગવો યથાવત, રસાકસીભરી લડાઈમાં 27 મતો સાથે ધનસુખ પટેલ ફરી બન્યા પ્રમુખ