દક્ષિણ ગુજરાતની લાખો પશુપાલક મહિલાઓ અને ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન સુરત અને તાપી જિલ્લાની સુમુલ ડેરીના નવા શાસકો ચૂંટવા માટેની ઉત્તેજનાનો આજે સુખદ અંત આવ્યો છે. સવારથી જ સુરત સ્થિત મુખ્ય મથક ખાતે સહકારી આગેવાનો, રાજકીય નેતાઓ અને ટેકેદારોની ભારે ભીડ જામી હતી. સૌની નજર 9 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 21 ઉમેદવારોના પરિણામો પર ટકેલી હતી.
સુમુલ ડેરીમાં ફરી ભાજપનો ડંકો
નક્કી કરાયેલા સમયપત્રક મુજબ સવારે 11:00 વાગ્યે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી એટલી રસાકસીભરી હતી કે માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં જ તમામ બેઠકોના પરિણામો ક્રમશઃ જાહેર થઈ ગયા હતા. જોકે, ચૂંટણી પૂર્વે જે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે સાચી સાબિત થઈ હતી; ભાજપ પ્રેરિત સત્તાધારી પેનલે આંતરિક અસંતોષ અને બળવાના કારણે 16 બેઠકોમાંથી 1 થી 2 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને પગલે વિપક્ષ અને અપક્ષ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ધનસુખ પટેલનો ભવ્ય વિજય
બેઠકોના પરિણામો જાહેર થયા બાદ સૌ કોઈની ઉત્સુકતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ પર કોની વરણી થાય છે તેના પર કેન્દ્રિત થઈ હતી. આ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાસ સભા બોલાવવામાં આવી હતી. પ્રમુખ પદ માટે સત્તાધારી ભાજપ તરફથી પીઢ સહકારી નેતા ધનસુખ પટેલનું નામ પ્રસ્તાવિત કરાયું હતું, જેની સામે અપક્ષ અને બળવાખોર જૂથે પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારીને ચૂંટણી ફરજિયાત બનાવી હતી.
સહકારી ક્ષેત્રમાં ભગવો લહેરાતા સમર્થકોમાં ભારે ઉત્સાહ
મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર થતાં જ ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું. ભાજપના સંગઠનાત્મક માઇક્રો પ્લાનિંગ સામે અપક્ષોની વ્યૂહરચના નિષ્ફળ સાબિત થઈ હતી. ભાજપના સત્તાવાર ઉમેદવાર ધનસુખ પટેલને 27 મતો મળ્યા હતા, જ્યારે અપક્ષ ઉમેદવારના ખાતામાં માત્ર 12 મતો જ પડ્યા હતા. 15 મતોના સ્પષ્ટ તફાવત સાથે ધનસુખ પટેલ સુમુલ ડેરીના પ્રમુખ પદે ફરી એકવાર શાનદાર રીતે ચૂંટાઈ આવ્યા છે. આ વિજય સાથે જ સુમુલ ડેરીના પરિસરમાં વિજય ઉત્સવ શરૂ થઈ ગયો હતો અને ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડીને જીત વધાવી લીધી હતી.
આ પણ વાંચો: Rajkot: હુડકો ચોકડી પાસે આવેલા સોફાના કારખાનામાં લાગી આગ, એક વ્યક્તિની હાલત ગંભીર