ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ પરિયોજના એટલે કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ થઈ છે. ગુજરાતના અમદાવાદમાં સાબરમતી રેલ્વે સ્ટેશન નજીક અંતિમ અને સૌથી ભારે પોર્ટલ બીમને સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. આ આખરી બીમના લોન્ચિંગ સાથે જ અમદાવાદ વિસ્તારમાં તમામ 13 ભારે પોર્ટલ બીમ લગાવવાનું અત્યંત જટિલ અને પડકારજનક કામ પૂરું થઈ ગયું છે. આને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની એક શાનદાર એન્જિનિયરિંગ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
વ્યસ્ત રેલવે લાઈનો ઉપરથી પસાર થશે 18 કિમી લાંબો વાયડક્ટ
અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનનો રૂટ ખૂબ જ પડકારજનક છે, કારણ કે અહીંનો 18 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન વાયડક્ટ (એલિવેટેડ ટ્રેક) પહેલાથી જ ચાલુ અને વ્યસ્ત રેલવે લાઈનોની ઉપરથી પસાર થાય છે. ભારતીય રેલવેના આ નેટવર્કને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વિના કે રોક્યા વિના બુલેટ ટ્રેનનો ટ્રેક તૈયાર કરવા માટે વિશેષ રૂપે 13 ભારે પોર્ટલ બીમની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. આ તમામ બીમને અલગ-અલગ મુખ્ય રેલ માર્ગો પર સ્થાપિત કરવામાં આવ્યા છે.
- મણિનગરમાં મુંબઈ-અમદાવાદ મુખ્ય રેલવે લાઈન પર 5 પોર્ટલ બીમ
- વટવામાં મુંબઈ-અમદાવાદ મુખ્ય રેલવે લાઈન પર 7 પોર્ટલ બીમ
- સાબરમતીમાં અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઈન પર 1 પોર્ટલ બીમ
1,640 મેટ્રિક ટનનો સૌથી ભારે બીમ, માત્ર 3 કલાકમાં લોન્ચ
સાબરમતીમાં જે છેલ્લો પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમ લોન્ચ કરવામાં આવ્યો છે, તે આખા રૂટનું સૌથી વિશાળ અને ભારે કંક્રીટ સ્ટ્રક્ચર છે. આ એકલા બીમનું વજન અંદાજે 1,640 મેટ્રિક ટન છે. તેની લંબાઈ 34.5 મીટર અને ક્રોસ-સેક્શન 5.5 મીટર × 4.5 મીટર છે, જે આખા પ્રોજેક્ટમાં વપરાયેલા સૌથી મોટા પ્રીકાસ્ટ પોર્ટલ બીમમાંથી એક છે. આટલા વિશાળ અને ભારે-ભરખમ બીમને રેલવે લાઈન પર લોન્ચ કરવાનું આખું ઓપરેશન અત્યંત કુશળતા સાથે માત્ર ત્રણ કલાકની અંદર સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવાયું હતું.
https://twitter.com/drmadiwr/status/2075515035653427329
2,200 મેટ્રિક ટનની વિશાળ ક્રેનની મદદ લેવાઈ, ટ્રેનોની અવરજવર રહી સુરક્ષિત
આ જટિલ કામગીરી માટે નિર્માણ સ્થળ પર 2,200 મેટ્રિક ટનની ભારે ક્ષમતા ધરાવતી ક્રોવલર ક્રેનની મદદ લેવામાં આવી હતી. સાબરમતીમાં કાર્યસ્થળ પર જગ્યા ઘણી મર્યાદિત હોવાના કારણે આ કામ ઘણું જોખમી હતું. આ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન અને ભારતીય રેલવે વચ્ચે સચોટ સંકલન સાધવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા ધોરણો અને એડવાન્સ પ્લાનિંગના કારણે આખી લોન્ચિંગ પ્રક્રિયા દરમિયાન નીચેથી પસાર થતી ટ્રેનોનું સંચાલન કોઈ પણ અડચણ વિના સંપૂર્ણપણે સુરક્ષિત રીતે ચાલુ રહ્યું હતું.
આધુનિક એન્જિનિયરિંગ અને સચોટ પ્લાનિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
અમદાવાદમાં આ તમામ 13 ભારે પોર્ટલ બીમનું સફળ ઇન્સ્ટોલેશન ભારતની પ્રથમ હાઈ-સ્પીડ રેલ પરિયોજનાના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી અત્યાધુનિક તકનીકી ક્ષમતા અને ચોકસાઈને દર્શાવે છે. આ પ્રોજેક્ટ માત્ર દેશમાં સ્પીડની નવી ક્રાંતિ જ નહીં લાવે, પરંતુ સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પણ નિર્માણના નવા અને વિશ્વસ્તરીય માપદંડો સ્થાપિત કરી રહ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad News : TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના મામલે હાઈકોર્ટનો ચુકાદો, 5 અધિકારીઓને નોકરીમાંથી ડિસમીસ કરાયા