રાજકોટમાં વર્ષ 2024માં TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બની હતી. જેમાં 27 જેટલા લોકોના મોત થયા હતાં. ગુજરાત હાઈકોર્ટે આ ઘટનામાં સુઓમોટો આધારે સુનાવણી શરૂ કરી હતી. જેમાં આજની સુનાવમીમાં હાઈકોર્ટમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. મનપાએ કહ્યું છે કે, સમગ્ર કેસની તપાસમાં મનપાના જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે. 

મનસુખ સાગઠિયા પ્રોવિઝન પેન્શનના હકદાર રહેશે

રાજકોટ મનપાએ હાઈકોર્ટમાં કહ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ જે તપાસ કરવામાં આવી છે તેમાં જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી કરાઈ છે. આ અધિકારીઓને સિવિલ સર્વિસ નિયમો હેઠળ સજા ફટકારાઈ છે. અન્ય એક અધિકારીને સેવામાંથી દૂર કરવામાં આવ્યો છે. જ્યારે વર્ગ એકના વરિષ્ઠ અધિકારી સામે સજાની કાર્યવાહી કરાઈ છે. સુઓ મોટો પીટીશનમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. જેમાં રાજકોટ મનપા ફાયર ઓફિસર રોહિત વિગોરા, ટીપી વિભાગના અધિકારી ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને ડિસમિસ કરવામાં આવ્યા છે. જ્યારે ચીફ ટીપીઓ મનસુખ સાગઠિયા અગાઉથી વય મર્યાદાને કારણે નિવૃત્ત થઈ ગયાં છે. ટીપીઓ મનસુખ સાગઠિયા પ્રોવિઝન પેન્શનના હકદાર રહેશે.

ચુકાદાને પીડિત પરિવારોએ બિરદાવ્યો 

બીજી તરફ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને પીડિત પરિવારોએ બિરદાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓને ડિસમીસ કર્યા તે સારી વાત છે. હજુ પણ મોટા અધિકારીઓ સામે પગલાં લેવામાં નથી આવ્યા. આજે પણ અમે ગુમાવેલા સ્વજનો અમને યાદ આવે છે. રાજકોટમાં થયેલી આ દુર્ઘટના બાદ એસીબી, આઈટી અને ઈડી પણ તપાસમાં જોડાઈ હતી. હાઈકોર્ટમાં આગળની સુનાવણી દરમિયાન અન્ય જવાબદારો સામે શું પગલાં લેવાય છે અને અંતિમ કાર્યવાહી અંગે પણ મહત્વપૂર્ણ ચુકાદો આવે તેવી શક્યતાઓ છે.  


આ પણ વાંચોઃ Surat News: ભારે વરસાદે સુરતની સૂરત બગાડી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ત્રણ દિવસમાં 26 લોકોના મોત