સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી વિનાશક સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલઆગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વરસાદ રોકાયાના બે દિવસ બાદ પણ શહેરમાંથી પાણી કેમ નથી ઓસર્યા,તે મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓ પર અત્યંત ગુસ્સે થયા હતા અને તેમનો જોરદાર ઉધડો લીધો હતો.સીએમ ભૂપેન્દ્ર પટેલે તંત્રની નબળી પ્રિ-મોન્સૂન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહીના આદેશ આપ્યા છે.છેલ્લા 24 કલાકમાં શહેરમાં 15 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.જ્યારે 3 દિવસમાં 26 લોકોના મોત થયાં છે.

સુરત શહેરમાં ભારે વરસાદને કારણે હાલ બેહાલ થયાં
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે હાલ બેહાલ થયાં છે. બીજી તરફ ખાડી પૂરને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડૂબી જવાથી 13 લોકોના મોત થયાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જ્યારે એક યુવાનનું કરંટ લાગતાં મોત થયું છે. એક યુવક ત્રીજા માળેથી પડી જવાને કારણે મોતને ભેટ્યો છે. આકાશી આફતે તબાહી મચાવતા શહેરમાં 24 કલાકમાં 15 પરિવારોના માળા વિખેરાયા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સહિત નવસારી અને વલસાડની મુલાકાતે ગયા હતાં. જ્યાં તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કામગીરી માટે આદેશો આપ્યા હતાં.

સપ્તાહમાં જ સિઝનનો 30 ટકા વરસાદ શહેરમાં નોંધાયો
મ્યુ.કમિશનર એમ.નાગરાજને જણાવ્યું હતું કે,આ સપ્તાહમાં જ સિઝનનો 30 ટકા વરસાદ શહેરમાં નોંધાયો છે. શહેરમાં 3600 લોકોનું રેસ્ક્યુ તેમજ 4100 અસરગ્રસ્ત લોકોને રિલીફ સેન્ટરમાં ખસેડ્યા છે.NDRFની 2 અને SDRFની 5 ટીમો કાર્યરત છે.જિલ્લા કલેકટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, પલસાણા અને કામરેજમાં સૌથી વધુ વરસાદ થયો છે.અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો ઝડપભેર સર્વે થઈ રહ્યો છે અને ગઈ કાલથી જ કેશડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.શહેર-જિલ્લામાં 40 જેટલા કાચા-પાકા મકાનોને થયેલા નુકસાન અંગે વિગતો આપી હતી.

નિષ્ફળતા છુપાવવા માટે સત્તાધીશોએ સફાઈનો દેખાડો કર્યો
શહેરમાં તંત્રની નિષ્ફળતા છુપાવવા માટે સત્તાધીશોએ સફાઈનો દેખાડો કર્યો છે. એક જ દિવસમાં 400 ટન કચરો ઉલેચવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેર ડૂબ્યા બાદ સફાઈના નામે તંત્રએ દેખાડો કર્યો છે. શહેરમાં ખાડી પૂરને કારણે ડીંડોલી, સરથાણા, વરાછા, ઓલપાડ સહિતના વિસ્તારો ડૂબમાં છે. આ વરસાદ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પણ આફત બન્યો છે. દુકાનોમાં ખાડી પૂરના પાણી ભરાઈ જતાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. વેપારીઓનું કહેવું છે કે, તંત્ર માત્ર વેરાનું બિલ લેવા આવે છે પણ આવી સ્થિતિમાં કોઈ પૂછવા પણ આવતું નથી. શહેરમાં રઘુકુળ, અનુપમ, સાગર, અનમોલ માર્કેટમાં નુકસાન થયું છે.

આ તો કુદરતનો કહેર છે તેમાં કોઈ શું કરી શકે: મુકેશ દલાલ
સુરતના ભાજપના સાંસદ મુકેશ દલાલે આ પૂરને લઈને કહ્યું હતું કે, આ તો કુદરતનો કહેર છે તેમાં કોઈ શું કરી શકે. શહેરમાં 18 ઈંચ વરસાદ થયો છે એટલે આ સ્થિતિ ઉદ્ભવી છે. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં આગામી પગલાં અંગે ચર્ચાઓ કરાઈ છે. બીજી તરફ ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું હતું કે, શહેરમાં 18 ઈંચ વરસાદ પડવાથી હાલત વધારે ખરાબ થઈ છે. કોઈપણ સ્થિતિનું સમાધાન લાવીએ છીએ પણ આ વખતે વધુ વરસાદ ખાબક્યો છે. કોઈ પણ બેઠક ઔપચારિક નથી હોતી નિર્ણય લેવાય છે. લિંબાયતમાં જ્યાં પાણી ઓસરી ગયાં છે ત્યાં સફાઈ કામ પણ શરૂ કરી દેવાયું છે.

પર્વત ગામથી ગોડાદરા રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ
શહેરના પર્વત ગામથી ગોડાદરા રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે ડુંભાલથી પર્વત ગામનો મુખ્ય રસ્તો સંપર્ક વિહોણો બન્યો છે. રસ્તાઓ પર 6 ફૂટ જેટલા પૂરના પાણી ભરાઈ રહેવાના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને હજારો લોકો પોતાના ઘરોમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે. ખાસ કરીને પર્વત પાટિયા વિસ્તારમાં આવેલું માધવબાગ હજુ પણ બેટમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે.

વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જનતાનો આક્રોષ
સૌથી વધુ આક્રોશ સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે જોવા મળી રહ્યો છે. પૂરના ૨-૨ દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ ધારાસભ્ય , કોર્પોરેટર કે ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળે ફરક્યા પણ નથી. મુશ્કેલીના આ સમયમાં ફસાયેલા લોકો માટે પીવાના શુદ્ધ પાણી કે ભોજનની કોઈ જ પ્રાથમિક વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. મદદ ન મળવાના કારણે પૂરગ્રસ્તોમાં સરકાર અને મહાનગરપાલિકાના તંત્ર સામે ઉગ્ર રોષ અને આક્રોશ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad News: મહાદેવ APP કેસમાં CBIએ વધુ 6 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી