નડિયાદ રેલવે સ્ટેશન પર સાંજે ફિલ્મી ઢબે અંજામ આપવામાં આવેલી કરોડો રૂપિયાના સોનાની સનસનાટીભરી લૂંટનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. રિયલ લાઈફ સિંઘમ સાબિત થયેલા વિરમગામ ટાઉન પીઆઈ એસ.એ. ગઢવી અને પોલીસ ટીમે જીવના જોખમે ભાગતી લૂંટારુઓની કારને આંતરી, ચાલુ કારમાં પ્રવેશ કરી હેન્ડબ્રેક ખેંચી ચાર આરોપીઓને દબોચી લીધા છે. પોલીસે લૂંટાયેલું ૨.૯૦ કિલો સોનું (જેની અંદાજિત કિંમત ₹4 કરોડ) તેમજ ગુનામાં વપરાયેલી બે લક્ઝુરિયસ કાર સહિત ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર કરી લીધો છે.
નડિયાદ પ્લેટફોર્મ પર સાંજે 5 વાગ્યે ત્રાટક્યા લૂંટારુઓ
કોલકાતા સ્થિત જાણીતી ‘ગ્રો મોર બુલિયન’ કંપનીનો કર્મચારી સોનાનો મોટો જથ્થો બેગમાં ભરીને નડિયાદ રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો. સાંજે આશરે પાંચ વાગ્યાની આસપાસ સ્ટેશન પરિસરમાંથી અચાનક લૂંટારુઓ તેની સોના ભરેલી બેગ ઝૂંટવીને કારમાં ફરાર થઈ ગયા હતા.ઘટના બનતાં જ ફરિયાદીએ સતર્કતા વાપરી લૂંટારુઓની કાર અને વિગતો તુરંત રેલવે પોલીસને આપી હતી. રેલવે પોલીસે સમય બગાડ્યા વિના સમગ્ર કંટ્રોલ મેસેજ સ્ટેટ કંટ્રોલ રૂમને ફ્લેશ કર્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય પોલીસનું નેટવર્ક
સ્ટેટ કંટ્રોલ તરફથી એલર્ટ મળતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તમામ નેશનલ તેમજ સ્ટેટ હાઈવે પર નાકાબંધી ગોઠવી દીધી હતી. પોલીસ ટીમોએ સીસીટીવી, મોબાઈલ સીડીઆર/એસડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એક શંકાસ્પદ બલેનો કારને આંતરી લીધી હતી.બલેનો કારમાંથી એક આરોપી પકડાયો ખરો, પરંતુ કારમાંથી લૂંટાયેલું સોનું મળ્યું નહોતું. ગ્રામ્ય પોલીસે પકડાયેલા આરોપીની યુક્તિપૂર્વક અને કડકાઈથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે લૂંટાયેલો અસલી મુદ્દામાલ બીજી ટિયાગો કારમાં લઈ જવામાં આવી રહ્યો છે.
PI ગઢવીનું દિલધડક પરાક્રમ
બીજી કારનું લોકેશન મળતાં જ વિરમગામ તરફ નાકાબંધી વધુ મજબૂત કરાઈ હતી. નીલકી ગામ નજીક ટિયાગો કાર નજરે પડતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈને આરોપીઓએ સ્પીડ વધારી કાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પોતાની ગાડી અથડાવીને પણ તેને રોકવા કોશિશ કરી છતાં લૂંટારુઓ અટક્યા નહોતા.આ નાજુક અને જોખમી ક્ષણે વિરમગામ ટાઉન પીઆઈ એસ.એ. ગઢવીએ પોતાના જીવની પરવા કર્યા વગર પૂરપાટ દોડતી ટિયાગો કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓએ કાર ભગાવવાનું ચાલુ રાખ્યું હોવા છતાં, પીઆઈ ગઢવી અદમ્ય સાહસ દાખવી ચાલુ ગાડીની અંદર ઘૂસી ગયા હતા, સ્ટીયરિંગ કાબૂમાં લીધું હતું અને જોરથી હેન્ડબ્રેક ખેંચી કારને થંભાવી દીધી હતી. પાછળ આવી રહેલી પોલીસ ટીમે તાત્કાલિક ઘેરાબંધી કરીને અંદર બેઠેલા આરોપીઓને દબોચી લીધા હતા.
પૂર્વ કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ
ગાડીની સઘન તલાશી લેતાં કારની સીટ કવર નીચે ગુપ્ત રીતે છુપાવેલું 2.90 કિલો લૂંટાયેલું સોનું (કિંમત આશરે ₹4 કરોડ) મળી આવ્યું હતું. આ સાથે લૂંટમાં વપરાયેલી ટિયાગો અને બલેનો બંને કાર પણ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં થયેલા સનસનાટીભર્યા ખુલાસા
લૂંટનો મુખ્ય આરોપી સાવન ચૌધરી અગાઉ કોલકાતાની આ જ ગ્રો મોર બુલિયન કંપનીમાં નોકરી કરતો હતો. સાવન સોનાની હેરાફેરીના તમામ રૂટ અને કંપનીની કામગીરીની પદ્ધતિથી સારી રીતે વાકેફ હતો. તેણે ચાર મહિના અગાઉ આ લૂંટનું કાવતરું ઘડી કાઢ્યું હતું.ભોગ બનનાર કર્મચારી સાવનને ઓળખતો હોવાથી, સાવન પોતે સ્ટેશન પર લૂંટ કરવા ગયો નહોતો પરંતુ બહાર કારમાં બેસીને અન્ય સાગરીતોને પળેપળની માહિતી અને લોકેશન પૂરું પાડી રહ્યો હતો.રેલવે પોલીસની સમયસૂચકતા અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના જાંબાઝ અધિકારીઓની બહાદુરીના કારણે માત્ર ગણતરીના કલાકોમાં આંતરરાજ્ય લૂંટારુ ગેંગના ચારેય સાગરીતો જેલના સળિયા પાછળ ધકેલાયા છે.
આ પણ વાંચો: Amreli: દોઢ વર્ષમાં ચોથી સિંહણ હડકવાનો ભોગ બની; અરજણસુખમાં 5 લોકોને ફાડી ખાનાર સિંહણનું પાંજરામાં મોત