દેશમાં વરસાદની સ્થિતિ ખૂબજ ચિંતાજનક રહી છે. પરંતુ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ હવે સંપૂર્ણ છલકાવા તરફ છે. ઉપરવાસમાંથી 70 હજારથી વધુ ક્યુસેક પાણીની આવક થવાથી સરદાર સરોવર ડેમની સપાટી 138.35 મીટરે પહોંચી છે. જે તેની 138.68 મીટરની મહત્તમ સપાટીથી માત્ર 35 સેન્ટિમિટર દૂર છે. હાલમાં ડેમમાંથી 13120 ક્યુસેક પાણીની જાવક થવા પામી છે. જેમાં 5638.62 MCM લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. જેમાં રિવરબેડ પાવર હાઉસના ટર્બાઇન બંધ હોવા છતાં કેનાલ હેડના ત્રણ ટર્બાઇન કાર્યરત છે.

રાજ્યના ડેમમાં જળસંગ્રહની પ્રાદેશિક સ્થિતિ 

ગુજરાતના કુલ 207 ડેમો અને જળાશયોમાં પાણીની કુલ સંગ્રહ શક્તિ 25257.56 MCM છે.જેની સામે હાલમાં 20,654.56 MCM પાણી ઉપલબ્ધ છે.પ્રાદેશિક સ્તરે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 84.86% અને ઉત્તર ગુજરાતમાં 46.67% પાણીનો સંગ્રહ થયો છે.કચ્છમાં 31.35% અને સૌરાષ્ટ્રમાં 51.61% જળસંગ્રહ નોંધાયો છે. નર્મદા ડેમની કુલ જળસંગ્રહ ક્ષમતા 9460 MCM છે જેમાં હાલ 98.77 ટકા પાણી સંગ્રહિત છે.રાજ્યના કુલ 207 ડેમોમાંથી 32 ડેમો સંપૂર્ણપણે 100% ભરાઈ ગયા છે.દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 8 ડેમો સંપૂર્ણ ભરાયેલા છે.જ્યારે સૌરાષ્ટ્રમાં 18 અને ઉત્તર ગુજરાતમાં 2 ડેમો સંપૂર્ણ ભરાયા છે.

રાજ્યમાં 47 ડેમ હાઈ એલર્ટ

નર્મદા અને મધ્ય ગુજરાતના કેટલાક ડેમો પણ ઉત્તમ સ્તરે પહોંચ્યા છે. તંત્ર દ્વારા હાઈ એલર્ટ,અલર્ટ અને ચેતવણી જારી કરવામાં આવી છે.શેત્રુંજી, ઉકાઈ, દમણગંગા અને સરદાર સરોવર જેવા મહત્વપૂર્ણ જળાશયોમાં સતત આવક ચાલુ હોવાથી સુરક્ષા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાઓ પર નજર રાખવામાં આવી રહી છે. રાજ્યમાં 47 ડેમ હાઈ એલર્ટ, 11 ડેમ એલર્ટ અને 12 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. ઓછો વરસાદ થવાથી રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની સ્થિતિ વિકટ બને તેવું આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે.  

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 20 દિવસમાં ડેન્ગ્યૂએ કહેર મચાવ્યો, જાણો કયા વોર્ડમાં છે સૌથી વધુ કેસ