અમદાવાદની નરોડા પોલીસે અગાઉ પકડેલા રૂ. 55 લાખથી વધુના મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થાના કેસમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. આ ગુનામાં ડ્રગ્સ મંગાવનારા અને સમગ્ર રેકેટના મુખ્ય નાઈઝિરિયન આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ડ્રગ્સ ઝડપાયા બાદ આરોપી બેંગ્લોર છોડીને કેરળમાં છુપાયો હતો, જેને પોલીસે આઈપી (IP) એડ્રેસના ટેક્નિકલ સર્વેલન્સના આધારે દબોચી લીધો છે.

17 સપ્ટેમ્બરના રોજ પકડાયો હતો 1850 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો

ગત 17 સપ્ટેમ્બરના રોજ નરોડા પોલીસે રૂ. 55.50 લાખની કિંમતનો 1850 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો લઈને જનાર બેંગ્લોરના નિખિલેશ ક્રિષ્નપ્પાની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસનો ધમધમાટ વધારતા આ ડ્રગ્સ રિસીવર વિશાલ સીમલાચને પણ મેઘાલય પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ આખા નેટવર્કનો માસ્ટરમાઈન્ડ 'ચાર્લિસ ઉર્ફે ફ્રેન્ક' નામનો નાઈઝિરિયન શખ્સ ફરાર હતો, જે કેરળથી પકડાઈ આવ્યો છે.

બિઝનેસ વિઝા પર આવ્યો હતો અને ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયો

ઝડપાયેલા નાઈઝિરિયન ડ્રગ્સ ડિલર ચાર્લિસ ઉર્ફે ફ્રેન્ક ઓફુડીલની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે, તે વર્ષ 2019માં બિઝનેસ વિઝા પર ભારત આવ્યો હતો અને દિલ્હી રોકાયો હતો. વર્ષ 2021 પછી તે બેંગ્લોર જઈને ડ્રગ્સના નેટવર્કમાં સક્રિય થયો હતો. દિલ્હીમાં રોકાણ દરમિયાન તેની ચંડીગઢના ડ્રગ સપ્લાયરો સાથે મુલાકાત થઈ હતી. તે કુરિયર અને ડિલિવરી બોયની મદદથી ગેરકાયદે નેટવર્ક ચલાવતો હતો. વર્ષ 2022માં તેના વિરુદ્ધ કેરળમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાતા તે બેંગ્લોર શિફ્ટ થઈ ગયો હતો.

Ahmedabad News: Drugs Case: Nigerian Mastermind Arrested in Rs 55 Lakh MD Drugs Racket

વિઝાની મુદત પૂરી થઈ હોવાનો ખુલાસો

પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે, આરોપીના બિઝનેસ વિઝાની મુદત પહેલેથી જ પૂરી થઈ ચૂકી છે. તેની પાસે અન્ય કોઈ વૈધ દસ્તાવેજો ન મળી આવતા ઈમિગ્રેશન વિભાગ દ્વારા પણ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. દિલ્હી અને ચંડીગઢના અન્ય કનેક્શનો અંગે પણ પોલીસ વધુ વિગતો મેળવી રહી છે, જેથી આ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના અન્ય ગુપ્ત રાજો બહાર આવી શકે.



આ પણ વાંચો: Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 1500 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, ઇતિહાસમાં પ્રથમવાર 7 હજાર આવાસોનો ડ્રો યોજાશે