કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ મહાનગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીના અંદાજીત રૂ. 1500 કરોડના વિકાસકામોનું લોકાર્ પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ભવ્ય વિકાસકાર્યોથી અમદાવાદ શહેરના માળખાકીય વિકાસને વધુ વેગ મળશે.
ઇતિહાસમાં પ્રથમવાર 7 હજાર આવાસોનો મેગા ડ્રો
અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે એક સાથે 7 હજાર આવાસો માટેનો ડ્રો યોજવામાં આવશે. EWS (આર્થિક રીતે નબળા વર્ગ) આવાસ યોજના માટે કુલ 97 હજાર જેટલી અરજીઓ મળી હતી, જે દર્શાવે છે કે સામાન્ય પરિવારો માટે પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આ યોજના કેટલી લોકપ્રિય સાબિત થઈ છે.
11 વિસ્તારોમાં આવાસ યોજનાઓનું નિર્માણ
શહેરના નરોડા, નિકોલ, ઓઢવ સહિત કુલ 11 જેટલા મહત્વપૂર્ણ વિસ્તારોમાં આ આવાસ યોજનાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોસાય તેવા ઘરો મળી રહે તે માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
નવા વર્ષે હજારો પરિવારોને મળશે મકાનની ચાવી
મેયર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રામાપીરના ટેકરા વિસ્તારમાં જ 1250 જેટલા આવાસો તૈયાર થઈ ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવા વર્ષના પાવન અવસરે હજારો પરિવારોને તેમના સ્વપ્નના મકાનની ચાવીઓ સુપરત કરશે, જેનાથી અનેક પરિવારોના જીવનમાં ખુશીઓ આવશે.
આ પણ વાંચો: Ahmedabadમાં દિવાળી પર્વ પર વતન જતી વેળાએ જબરદસ્ત ઉત્સાહ: ગીતા મંદિર ST ડેપો પર ઉમટ્યું માનવ મહેરામણ