અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે દારૂના ગેરકાયદે ઘુસણખોરી સામે મોટી કાર્યવાહી કરી છે. SMC ની ટીમે બાતમીના આધારે હંસપુરા ઓવરબ્રિજ નજીક વોચ ગોઠવીને દહેગામથી અમદાવાદ તરફ આવી રહેલા એક વાહનને આંતરીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન વાહનમાં ગુપ્ત રીતે છુપાવાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) નો મોટો જથ્થો મળી આવ્યો હતો.
નરોડામાં SMC ના દરોડામાં દારૂ જપ્ત
પોલીસે ઘટનાસ્થળેથી 105 પેટીઓમાંથી કુલ 5,030 બોટલ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 15.58 લાખ આંકવામાં આવી છે, જ્યારે દારૂના વહન માટે વપરાયેલા વાહન સહિત પોલીસે કુલ રૂપિયા 30.58 લાખનો મુદ્દામાલ પોતાના કબજે લીધો છે. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી દારૂના જથ્થા સાથે જિતેન્દ્ર ઉર્ફે જીતુ ડામોર નામના આરોપીની ધાકધમકી વચ્ચે ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો મોટો જથ્થો અમદાવાદ શહેરમાં અલગ-અલગ જગ્યાએ સપ્લાય કરવાનો હોવાનો ખુલાસો થયો છે.
