અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી ચીરીપાલ કંપનીમાં કામ કરતા એક નિર્દોષ કર્મચારીને રસ્તામાં રોકીને બે શખ્સોએ હપ્તાખોરી આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ શખ્સોએ પોતાની ઓળખ રુઆબદાર પોલીસ અધિકારી તરીકે આપી હતી. પહેલા તો તેમણે કર્મચારી પાસે તેનું ઓળખપત્ર ચેક કરવા માંગ્યું અને બાદમાં ‘તમે મજૂરોને સમયસર નાણાં કેમ ચૂકવતા નથી?’ તેમ કહી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડરનો માહોલ ઊભો કર્યો હતો.


45 હજારની માંગણી કરી, આખરે 10,500 પડાવી રફુચક્કર થયા

નકલી પોલીસ બનેલા આ ગઠિયાઓએ કર્મચારીને એટલો ડરાવી દીધો હતો કે, તે કાયદાકીય ગૂંચવણથી બચવા માટે આજીજી કરવા લાગ્યો છે. આરોપીઓએ શરૂઆતમાં કેસ રફેદફે કરવા માટે 45,000ની મોટી રકમ માંગી હતી. જોકે, કર્મચારી પાસે એટલા પૈસા ન હોવાથી આખરે તેની પાસે રહેલા 10,500 રોકડા પડાવીને બંને નકલી પોલીસ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ભોગ બનનારે હિંમત ભેગી કરી આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

CCTV અને ટેકનિકલ સર્વેલન્સથી નકલી પોલીસનો પર્દાફાશ

ઘટનાની ગંભીરતાને જોઈને નારોલ પોલીસે તુરંત એક્શન લીધા હતા. પોલીસે ઘટના સ્થળ અને તેની આસપાસના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંગોળ્યા હતા. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ નારોલ વિસ્તારમાંથી અયુબ શાહ અને રવિ રાજપૂત નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. પૂછપરછમાં બંનેએ નકલી પોલીસ બનીને જ ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી છે, અને તેમની પાસેથી લૂંટની રોકડ રકમ પણ રિકવર કરાઈ છે.

જેલની દોસ્તી અને રિક્ષા ચલાવવાનો ઓથ

પોલીસ તપાસમાં આ ટોળકીની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી નીકળી છે. આરોપી અયુબ અને રવિ અગાઉ કોઈ ગુનામાં જેલમાં ગયા હતા, જ્યાં તેમની મુલાકાત થઈ અને દોસ્તી પાકી થઈ ગઈ. જેલમાંથી છૂટ્યા બાદ બંને જણા નારોલ વિસ્તારમાં રિક્ષા ચલાવતા હતા. રિક્ષા ચલાવતી વખતે તેઓ રસ્તા પર એકલ-દોકલ જતા સામાન્ય શ્રમિકો કે સીધા-સાદા લોકોને ટાર્ગેટ કરતા અને ખાખી વર્દીનો રોફ જમાવીને લૂંટ ચલાવતા હતા.

રીઢા ગુનેગાર છે ઝડપાયેલા આરોપીઓ

પોલીસના હાથે ઝડપાયેલો અયુબ શાહ કોઈ નાનો-મોટો ગઠિયો નથી, પરંતુ એક પાકો અને રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ નકલી પોલીસ બનીને લૂંટ ચલાવવાના 5 ગુના, હત્યાનો 1 ગુનો અને છેતરપિંડીનો 1 મળીને કુલ 7 ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેના સાથીદાર રવિ રાજપૂત સામે પણ ઘરફોડ ચોરી સહિતના 5 ગુનાઓ નોંધાયેલા છે. હાલ નારોલ પોલીસે બંનેના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી શહેરમાં આચરેલા અન્ય ગુનાઓનો ભેદ પણ ઉકેલી શકાય.


આ પણ વાંચો - Ahmedabad News : શાહિબાગ વિસ્તારમાથી ટ્રામાડોલ સાથે એક સપ્લાયર ઝડપાયો, 8 કરોડની કિંમતનો જથ્થો જપ્ત


  • Follow us on: