સુરતના નાસિરનગર વિસ્તારમાં કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કર્યા વિના હાથ ધરવામાં આવેલા વિવાદિત ડિમોલિશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાને આડે હાથ લેતા કાયદાકીય મર્યાદાઓ તથા અધિકારીઓની કથિત બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તંત્રની મનસ્વી કામગીરી સામે કોર્ટે લાલ આંખ કરી છે.

"નાના કર્મચારીઓ સસ્પેન્ડ તો SMC કમિશનર કેમ નહીં?"

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારની કામગીરી સામે તીખી ટકોર કરતા પૂછ્યું હતું કે, આટલી મોટી ઘટના બની છતાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી પગલાં કેમ લેવાયા નથી? કોર્ટે સવાલ કર્યો કે, જો નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો સુરત મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કેમ કરવામાં ન આવી? હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નાના અધિકારીઓને બલિનો બકરો બનાવીને મુખ્ય જવાબદારોને છાવરવાનો પ્રયાસ કોઈ પણ ભોગે સહન કરવામાં આવશે નહીં.

"હાઈકોર્ટની આંખમાં ધૂળ ન નાખો" - સરકાર પર કોર્ટના આકરા પ્રહાર

રાજ્ય સરકારના બચાવ સામે હાઈકોર્ટે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરો. આટલા મોટા પાયે ઘરો તોડી પાડવામાં આવ્યા અને 150 થી વધુ પરિવારો રસ્તા પર આવી ગયા, તેની જવાબદારીમાંથી સરકાર કે ઉચ્ચ અધિકારીઓ છટકી શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સમગ્ર ઘટનાની આખરી જવાબદારી શાસન અને તંત્રની પોતાની જ બને છે.

https://twitter.com/sandeshnews/status/2079167744340283648

હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો વિસ્તૃત લેખિત ખુલાસો

હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, સમગ્ર ઘટનામાં વાસ્તવિક જવાબદારી કોની હતી અને ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી, તે અંગે લેખિત ખુલાસો રજૂ કરવામાં આવે. આ વિવાદિત ડિમોલિશનમાં 150 થી વધુ અસરગ્રસ્ત પરિવારોના પુનઃવસન અને કાયદાકીય ઉલ્લંઘન મામલે હાઈકોર્ટે આગામી દિવસોમાં વધુ આકરા નિર્દેશો આપવાના સંકેત આપ્યા છે.


આ પણ વાંચો - Surat : ડિમોલિશન કાંડમાં મોટો ધડાકો, "કમિશનરના આદેશથી જ તોડફોડ થઈ", સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં રજૂ કરી વૉટ્સએપ ચેટ