સુરતના બહુચર્ચિત નાસીરનગર ડિમોલિશન કેસમાં એક નવો અને અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કેસમાં સસ્પેન્ડ કરાયેલા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મોટો ઘટસ્ફોટ કરીને સુરત મહાનગરપાલિકા ના ઉચ્ચ વહીવટી તંત્રને કઠેડામાં ઊભું કરી દીધું છે. 

કાર્યવાહી કમિશનરના સીધા આદેશથી જ કરવામાં આવી 

પાલિકાના સસ્પેન્ડેડ એન્જિનિયરે દાવો કર્યો છે કે નાસીરનગરમાં જે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી, તે તેમની મનસ્વી રીતે નહીં પરંતુ ખુદ મ્યુનિસિપલ કમિશનરના સીધા આદેશથી જ કરવામાં આવી હતી.

વૉટ્સએપ ચેટના ફોટા રજૂ કરાયા 

હાઈકોર્ટમાં સુજલ પ્રજાપતિ વતી રજૂ કરવામાં આવેલી એફિડેવિટમાં એક મોટો પુરાવો સોંપવામાં આવ્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનર સાથેની ઓફિશિયલ વૉટ્સએપ ચેટના ફોટા (સ્ક્રીનશોટ) રજૂ કરાયા છે. 

60 ફૂટનો ટીપી રોડ બનાવવા માટે સ્પષ્ટ મેસેજ 

એન્જિનિયરનો દાવો છે કે કમિશનરના સત્તાવાર નંબર પરથી જ તેમને 60 ફૂટનો ટીપી રોડ બનાવવા માટે સ્પષ્ટ મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ મેસેજ 21 મે 2026ના રોજ ફોરવર્ડ કરવામાં આવ્યો હતો, જેના આધારે જ સમગ્ર કામગીરી હાથ ધરાઈ હતી.

સરકારી વકીલોની ટીમમાં ભારે ચકચાર મચી

આ સનસનાટીભર્યા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ થતાં જ કમિશનરનો બચાવ કરી રહેલા સરકારી વકીલોની ટીમમાં ભારે ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધી જે એન્જિનિયર પર કાયદાકીય મર્યાદા બહાર જઈને કાર્યવાહી કરવાનો આક્ષેપ હતો, તેણે હવે સીધા જ મનપાના વડા તરફ આંગળી ચીંધી દીધી છે. વૉટ્સએપ ચેટના પુરાવા સામે આવ્યા બાદ હવે વહીવટી આલમમાં ગરમાવો આવી ગયો છે. 


આ પણ વાંચો  :  Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!