અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં ગણેશ મહોત્સવના આયોજન દરમિયાન પોલીસ જાહેરનામાના ભંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવા નરોડામાં બાપાસીતારામ ચોક પાસે આવેલા હરિવિલા ફ્લેટના મુખ્ય ગેટ નજીક જાહેર રોડ પર ગણેશ મંડપ બાંધીને મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. કૃષ્ણનગર પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન તપાસ કરતા આ મંડપમાં નિયમો વિરુદ્ધ જઈને મૂર્તિ મૂકવામાં આવી હોવાનું માલૂમ પડ્યું હતું.

મંજૂરી 8.5 ફૂટની અને સ્થાપના 22.5 ફૂટની કરાઈ

પોલીસ તપાસમાં આયોજક સચિન કુમાવત સામે આવ્યું હતું કે, તેમણે મંજૂરી મેળવતી વખતે 8.5 ફૂટની મૂર્તિ સ્થાપવાની પોલીસ પરમિટ દર્શાવી હતી, પરંતુ પોલીસે સ્થળ પર જઈને આખી સંરચનાની માપણી કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સ્થાપના સ્થળે આશરે 4.5 ફૂટ ઊંચી ટ્રોલી પર 11 ફૂટની ગણેશજીની મૂર્તિ મૂકાઈ હતી. આટલું જ નહીં, મૂર્તિની પાછળ 7 ફૂટનું શંકર ભગવાનનું ફાઈબરનું સ્કલ્પચર પણ ગોઠવવામાં આવ્યું હતું. આમ, ટ્રોલી અને બેકગ્રાઉન્ડ સહિત સમગ્ર સ્થાપનાની કુલ ઊંચાઈ આશરે 22.5 ફૂટ થઈ જતી હતી.

Ahmedabad News: Police Case Filed Against Ganesh Utsav Organiser for Height Violation

જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી

મંજૂર કરાયેલી મર્યાદા કરતાં ખૂબ જ વધુ ઊંચાઈની મૂર્તિ જાહેર માર્ગ પર મૂકીને આયોજકે ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત જાહેરનામાનો સ્પષ્ટ અનાદર કર્યો હતો. આ બેદરકારી બદલ કૃષ્ણનગર પોલીસે આયોજક સચિન કુમાવત સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વર્ષે ગણેશોત્સવ માટે બહાર પાડવામાં આવેલા સરકારી જાહેરનામા બાદ નિયમ ભંગની આ પ્રથમ અધિકૃત ફરિયાદ નોંધાઈ છે.


આ પણ વાંચો: Ahmedabad News: ગણેશ પંડાલને લઈ પોલીસ કમિશ્નરનું જાહેરનામું, મંજૂરી માટે આ તૈયારીઓ કરવી પડશે