ગુજરાતમાં ચોમાસા દરમિયાન સર્જાયેલી અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે 06 બટાલિયન NDRFની ટીમો ગત 22 જુલાઈથી સતત બચાવ અને રાહત કામગીરીમાં તૈનાત છે. ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે આફત વચ્ચે NDRF દ્વારા મેગા રેસ્ક્યૂ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સિવાય અમદાવાદ શહેરમાં સર્જાયેલી શહેરી પૂરની સ્થિતિમાં પણ NDRFની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.

પૂર બચાવ અને સ્થળાંતરના સફળ ઓપરેશન

આ સમગ્ર આપત્તિ દરમિયાન NDRF દ્વારા કુલ 26 જેટલા પૂર બચાવ અને સ્થળાંતરના સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યા હતા. પૂરના ધસમસતા પાણીમાં ફસાયેલા 245 લોકોને મોતના મુખમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે જોખમી વિસ્તારોમાંથી 852 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વલસાડના કોપરી વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલી એક બસમાંથી 1 શિશુ, 7 બાળકો અને 21 મહિલાઓ સહિત તમામ ૫૨ મુસાફરોને સાહસપૂર્વક રેસ્ક્યૂ કરી ઉગારી લેવાયા હતા. 

NDRF સંપૂર્ણપણે સજ્જ અને હાઈ એલર્ટ પર

આ ઉપરાંત NDRFએ 6 મૃતદેહો શોધી કાઢ્યા હતા અને 9 પશુધનને પણ બચાવી લીધું હતું. માનવજીવન બચાવવાની સાથે સાથે રાહત સામગ્રી પહોંચાડવામાં પણ NDRFએ મહત્વની ભૂમિકા ભજવી છે, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી 290 જેટલા ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં પણ ચોમાસાની સિઝનમાં ઊભી થનારી કોઈપણ આકસ્મિક કે કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે NDRF સંપૂર્ણપણે સજ્જ અને હાઈ એલર્ટ પર છે. જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

આ પણ વાંચોઃ Surat News: મનપા દ્વારા ખાડીપૂર મામલે ડ્રોનથી સરવે શરૂ કરાયો, એક સપ્તાહમાં કમિશ્નરને રિપોર્ટ સોંપાશે