સુરત શહેરમાં દર ચોમાસામાં ખાડીપૂરનો કહેર વર્તાય છે. શહેરમાં ખાડીના પૂરથી કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે ખાડીપુરને કારણે આ વખતે પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટમાં વરસાદી પાણીને કારણે માલ ખરાબ થઈ જવાની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. પૂરના પાણીને કારણે અનેક વાહનો પણ ખરાબ થઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે હવે મનપા દ્વારા પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મોટા પાયે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી
સુરત શહેરમાં ખાડીપુરની સમસ્યા વધુ ગંભીર બનતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે મોટા પાયે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સર્વે માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન મારફતે આખા વિસ્તારનું વિહંગાવલોકન કરવામાં આવી રહ્યું છે. ડ્રોનથી હાઈક્વોલિટી વિડિયોગ્રાફી કરીને ખાડી વિસ્તારની સચોટ વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે, જેમાં ખાડીની વાસ્તવિક લંબાઈ અને પહોળાઈનું ચોકસાઈપૂર્વક માપન કરવામાં આવી રહ્યું છે.
