ભારતીય રેલવે દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેન સંચાલનને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સતત નવા આધુનિક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ કડીમાં અમદાવાદ રેલવે મંડળે એક વિશાળ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. અમદાવાદ મંડળ હેઠળ આવેલા સાબરમતી ઇલેક્ટ્રિક લોકો શેડમાં માલવાહક ઇલેક્ટ્રિક એન્જિનોના મેન્ટેનન્સ અને સંભાળ માટે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.

રૂ. 113.63 કરોડનો માતબર ખર્ચ અને WAG-12 માટે ખાસ સુવિધા

આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 113.63 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવશે. આ રોકાણ થકી ભારતીય રેલવેના સૌથી શક્તિશાળી એવા WAG-12 મોડેલના માલવાહક ઇલેક્ટ્રિક લોકોમોટિવના જાળવણી માટે હાઇટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સાબરમતી શેડ ખાતે એકસાથે 300 હાઈ-કેપેસિટી WAG-12 લોકોમોટિવના મેન્ટેનન્સ અને સર્વિસિંગની ક્ષમતા ઉપલબ્ધ બનશે.

DRM વેદ પ્રકાશનું ખાસ નિરીક્ષણ અને દિશા-નિર્દેશ

મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે તાજેતરમાં જ સાબરમતી ઇલેક્ટ્રિક લોકો શેડની સ્થળ મુલાકાત લઈને વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન તેમણે નાગપુર, દાહોદ, રોઝા અને સહારનપુર જેવા દેશના અગ્રણી અને આધુનિક લોકો શેડની તર્જ પર સાબરમતી શેડનો વિકાસ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને દિશા-નિર્દેશ આપ્યા હતા.

હાઇટેક ઓટોમેટિક પ્લાન્ટ અને આધુનિક સુવિધાઓ

નવા અપગ્રેડેશન બાદ આ શેડમાં અનેક આધુનિક ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે 

  • બોગી ડ્રોપ પિટ: એન્જિનના નીચેના ભાગ અને વ્હીલ એસેમ્બલીની ઝડપી અને ચોક્કસ જાળવણી માટે.
  • વ્હીલ મેન્ટેનન્સ પ્લાન્ટ: ટ્રેનના વ્હીલ્સની સચોટ ચકાસણી અને જાળવણી માટે.
  • ઓટોમેટિક લોકો વોશિંગ પ્લાન્ટ: એન્જિનની ઝડપી અને પાણીની બચત સાથે આટોમેટિક સફાઈ કરવા માટે.
  • ઇલેક્ટ્રિકલ અને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર: અદ્યતન OHE સિસ્ટમ સહિત સુરક્ષા અને ટેલિકોમ્યુનિકેશનનું નવું નેટવર્ક ઊભું કરાશે.

માલગાડીઓના સંચાલનમાં વધશે આંતરરાષ્ટ્રીય સ્તરની કાર્યક્ષમતા

સાબરમતી લોકો શેડના આધુનિકીકરણથી પશ્ચિમ રેલવેમાં માલગાડીઓના સંચાલન સમયમાં મોટો ઘટાડો થશે. WAG-12 જેવા ભારે માલવાહક એન્જિનોનું સ્થાનિક સ્તરે જ ઝડપી મેન્ટેનન્સ થવાથી માલગાડીઓની ફ્રીક્વન્સી અને કાર્યક્ષમતા બંનેમાં નોંધપાત્ર વધારો થશે, જે દેશના લોજિસ્ટિક્સ અને માલ-સામાનની હેરફેરને નવી ગતિ આપશે.


આ પણ વાંચો - Ahmedabadમાં વરસાદ બાદ પણ રસ્તાઓની હાલત ખરાબ, કાંકરિયા પાસે 12 દિવસથી સમારકામ અધૂરું