અમદાવાદમાં વરસાદને વિરામ મળ્યા બાદ પણ શહેરના અનેક રસ્તાઓની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. ખાસ કરીને કાંકરિયા વિસ્તાર પાસે લગભગ 12 દિવસ પહેલા બેસી ગયેલા રોડનું સમારકામ હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ સ્થિતિ મુશ્કેલીરૂપ બની
રોડનો મોટો ભાગ બેસી જતાં તંત્રએ સુરક્ષાના કારણોસર એક તરફનો માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. જેના કારણે વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે અને વાહનચાલકોને લાંબા ચક્કર મારીને પસાર થવાની ફરજ પડી રહી છે. રોજિંદા અવરજવર કરતા લોકો માટે આ સ્થિતિ મુશ્કેલીરૂપ બની છે. માહિતી મુજબ રોડ નીચેનું નાળું બેસી જતાં સમારકામ માટે RCC ભરીને મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જોકે આ કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી કામ પૂર્ણ થવામાં હજુ વધુ સમય લાગી શકે છે. સતત વિલંબને કારણે સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
