નેપાળમાં સર્જાયેલી જળપ્રલયની સ્થિતિ બાદ ગુજરાત સરકારનું અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આરટીઓ તંત્ર હરકતમાં આવ્યું છે. નેપાળ સહિત વિવિધ યાત્રાધામો પર રોડ માર્ગે ગયેલા પ્રવાસીઓની માહિતી મેળવવા દોડધામ ચાલી રહી છે. પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, સ્પેશિયલ પરમિટ લઈને નેપાળ ગયેલા પ્રવાસીઓની તંત્ર પાસે કોઈ યાદી જ ઉપલબ્ધ નથી.
વાહનોનો હિસાબ છે, મુસાફરોનો નહીં
1 જુલાઈથી 28 ઓગસ્ટ, 2026 દરમિયાન અમદાવાદમાંથી ટેક્સી, મેક્સી અને ટૂરિસ્ટ બસ સહિત અંદાજે 2,700થી વધુ વાહનોને વિવિધ યાત્રાધામો માટે સ્પેશિયલ પરમિટ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 115 વાહનોની પરમિટમાં નેપાળનો સમાવેશ થાય છે.
ચોક્કસ માહિતી આરટીઓ તંત્ર પાસે ઉપલબ્ધ નથીૉ
પરંતુ આ વાહનોમાં કેટલા પ્રવાસીઓ ગયા, કોણ ગયા અને કેટલા લોકો પરત ફર્યા તેની કોઈ ચોક્કસ માહિતી આરટીઓ તંત્ર પાસે ઉપલબ્ધ નથી. કેટલાક વાહનો હજુ નેપાળમાં હોવાની શક્યતા વચ્ચે હવે તંત્ર ટૂર ઓપરેટરોનો સંપર્ક કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ઓનલાઈન સિસ્ટમમાં યાત્રીઓની માહિતીનું કોલમ જ ગાયબ
સરકારે ટૂરિસ્ટ બસ અને અન્ય વાહનો માટે ઓનલાઈન ફેસલેસ પરમિટ સેવા શરૂ કરી છે. આ સિસ્ટમમાં ટેક્સ અને ફી ભરવાની સંપૂર્ણ વ્યવસ્થા છે, પરંતુ યાત્રીઓની વિગતો દાખલ કરવા માટેનું કોલમ જ નથી. પરિણામે પરમિટ તો જનરેટ થઈ જાય છે, પરંતુ વાહનમાં કોણ મુસાફરી કરી રહ્યું છે તેનો કોઈ સત્તાવાર ડેટા તંત્ર પાસે રહેતો નથી.
પ્રવાસીઓનો કેન્દ્રીય ડેટા ન હોવો હવે ગંભીર ખામી
છેલ્લા 1 વર્ષમાં 66,000થી વધુ પરમિટ આપવામાં આવી હોવા છતાં પ્રવાસીઓનો કેન્દ્રીય ડેટા ન હોવો હવે ગંભીર ખામી તરીકે સામે આવ્યો છે.
ટૂર ઓપરેટરનો સંપર્ક ન થાય તો તંત્ર લાચાર
સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કોઈ ટૂર ઓપરેટરનો સંપર્ક ન થાય તો નેપાળ ગયેલા પ્રવાસીઓની સાચી માહિતી તંત્ર કેવી રીતે મેળવશે? હાલની ઓનલાઈન પરમિટ પ્રક્રિયામાં અરજીઓ મેન્યુઅલ મંજૂરી માટે આરટીઓ કચેરી સુધી પણ પહોંચતી નથી અને ફી ભર્યા બાદ સીધી પરમિટ જનરેટ થઈ જાય છે.
તંત્રની સિસ્ટમ સામે ગંભીર સવાલો
નેપાળ જળપ્રલય બાદ ઉભી થયેલી આ સ્થિતિએ તંત્રની સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાતોએ હવે ઓનલાઈન પરમિટ પ્રક્રિયામાં યાત્રીઓની સંપૂર્ણ યાદી અપલોડ કરવાનો વિકલ્પ તાત્કાલિક ઉમેરવાની માંગ કરી છે.
આ પણ વાંચો : Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી