અમદાવાદ શહેરમાં આગામી ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા, કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે મોડી રાત્રે ન્યૂ રાણીપ વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ પોલીસની સક્રિયતા સામે મોટા સવાલો ખડા કર્યા છે. મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર 8 થી 10 લોકોના એક હિંસક ટોળાએ એક યુવકને નિશાન બનાવ્યો હતો. ટોળાએ યુવકને ઘેરીને નિર્દયતાથી ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.

ન્યૂ રાણીપ વિસ્તારમાં યુવકને માર માર્યો

વાત આટલેથી ન અટકતા, હુમલાખોરોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. જાહેર રોડ પર હથિયારો ઉછળતા જોઈને આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલો યુવક પોતાનો જીવ બચાવવા માટે લોહીલુહાણ હાલતમાં જ રસ્તાની વચ્ચે જીવ હથેળીમાં મૂકીને દોડતો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ તુરંત જ કંટ્રોલ રૂમમાં પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ હુમલાખોરો અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સાબરમતી પોલીસની ત્વરિત એક્શન

આ ગંભીર અને સંવેદનશીલ ઘટનાની જાણ થતાં જ રાણીપ અને સાબરમતી પોલીસ સ્ટેશનનો સ્ટાફ એક્શન મોડમાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ હિંસક હુમલાના કેસમાં સાબરમતી પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી 20 વર્ષીય આકાશ વાઘેલાની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ આ ગુનામાં સામેલ કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ હાલ આકાશ વાઘેલાની પૂછપરછ કરી રહી છે કે આ હુમલો કઈ અદાવતમાં કરવામાં આવ્યો હતો અને ટોળામાં સામેલ અન્ય ફરાર 7 થી 8 હુમલાખોરો કોણ હતા.

આ પણ વાંચો: Amreli સિંહ હુમલો કેસ: ગેરકાયદેસર સિંહ દર્શન અને વીડિયો કોલ મામલે બે આરોપીઓ જેલ હવાલે