રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા આગામી 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે બે દિવસીય ઓપન હિયરિંગ એન્ડ કેમ્પ સિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિશેષ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યમાં માનવ અધિકારોના કથિત ઉલ્લંઘન સંબંધિત વિવિધ ગંભીર બાબતો અને ફરિયાદોની પ્રત્યક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે.આ મહત્વપૂર્ણ સુનાવણીમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટિસ વી. રામસુબ્રમણિયન, આયોગના સભ્યો જસ્ટિસ ડૉ.બિદ્યુત રંજન સારંગી અને વિજયા ભારતી સાયની ખાસ ઉપસ્થિત રહેશે. 

આયોગની ટીમ દ્વારા ફરિયાદો રૂબરૂ સાંભળવામાં આવશે 

આયોગની આ નિષ્ણાત ટીમ દ્વારા તમામ રજૂઆતો,ફરિયાદીઓ તેમજ સંબંધિત રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રૂબરૂ સાંભળવામાં આવશે. કાર્યક્રમના પ્રથમ દિવસે,એટલે કે 2 સપ્ટેમ્બરે સવારે 10:30 વાગ્યે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે પૂર્ણ આયોગ દ્વારા વિવિધ અરજીઓ પર સઘન સુનાવણી હાથ ધરાશે.ત્યારપછી બીજા દિવસે 3 સપ્ટેમ્બરે આયોગના અધ્યક્ષ જસ્ટિસ વી. રામસુબ્રમણિયન ગુજરાતમાં કથિત બંધુઆ મજૂરી સંબંધિત ગંભીર કેસોની ખાસ સુનાવણી કરશે. 

એનજીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે 

સુનાવણી ઉપરાંત પોતાના બે દિવસીય ગાંધીનગર રોકાણ દરમિયાન માનવ અધિકાર આયોગની ટીમ ગુજરાતના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તેમજ નાગરિક સમાજ અને બિનસરકારી સંગઠનોના પ્રતિનિધિઓ સાથે પણ એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજશે.આ બેઠકનો મુખ્ય હેતુ રાજ્યમાં માનવ અધિકારોના સંરક્ષણને વધુ સુદ્રઢ બનાવવાનો અને સ્થાનિક સ્તરે પડતી વ્યવહારિક મુશ્કેલીઓને સમજીને યોગ્ય ઉકેલ લાવવાનો છે.NHRCના આ પગલાથી માનવ અધિકાર ભંગના પીડિતોને પોતાના જ રાજ્યમાં ઝડપી,પારદર્શી અને પ્રત્યક્ષ ન્યાય મળવાની મોટી આશા જાગી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News:મહારાષ્ટ્રના રાયગઢમાં CGSTના એડિશનલ કમિશનર સહિત 3ની 40 લાખની લાંચ કેસમાં ધરપકડ