અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં સર્જાયેલા ગમખ્વાર અને હૃદયદ્રાવક ફોર્ચ્યુનર અકસ્માત કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. નિકોલના દેવસ્ય સર્કલ પાસે બેફામ ગતિએ દોડતી ફોર્ચ્યુનર કાર ફૂટપાથ પર ચડાવી દઈ નિર્દોષ માતા અને પુત્રને કચડી મારનાર કાર ચાલક વિરલ ચૌધરી દારૂના ભારે નશામાં હોવાનું સત્તાવાર રીતે સાબિત થયું છે. પોલીસે આરોપી વિરલ ચૌધરીનો મેડિકલ ટેસ્ટ કરાવી બ્લડ સેમ્પલ તપાસ અર્થે મોકલ્યા હતા, જેનો ફોરેન્સિક બ્લડ રિપોર્ટ 'પોઝિટિવ' આવ્યો છે. આટલું જ નહીં, અકસ્માત બાદ પોલીસે કબજે કરેલી ફોર્ચ્યુનર કારમાંથી બિયરના ૬ જેટલા સીલબંધ ટીન પણ મળી આવ્યા છે. નશાની હાલતમાં બે નિર્દોષ લોકોનો ભોગ લેવાતાં સ્થાનિક રહીશોમાં પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે.
ફૂટપાથ પર સોફા કવર ખરીદતા હતા ને કાળ બનીને ધસી આવી કાર
નિકોલ દેવસ્ય સર્કલ પાસે ફૂટપાથ પર કાર્તિકભાઈ અને તેમના પત્ની સોફા કવરનું વેચાણ કરી રહ્યા હતા અને કેટલાક ગ્રાહકો ખરીદી કરી રહ્યા હતા. દરમિયાન દારૂના નશામાં ધૂત વિરલ ચૌધરીએ પોતાની તોતિંગ ફોર્ચ્યુનર કાર પરથી કાબૂ ગુમાવી કાર સીધી ફૂટપાથ પર ચડાવી દીધી હતી. આ ભયાનક ટક્કરમાં ગંભીર ઈજાઓ થવાથી સ્થળ પર જ માતા અને પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત પૈકી એક વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અકસ્માત બાદ પોલીસે ગાડીની તલાશી લેતાં અંદરથી બિયરના ૬ ટીન મળી આવ્યા હતા, જેને પગલે નિકોલ પોલીસે દારૂના પઝેશનનો અલગ ગુનો પણ નોંધી વધુ કાનૂની સકંજો કસ્યો છે.
