દેશની ટેક્સટાઇલ રાજધાની ગણાતા સુરતના કાપડ ઉદ્યોગ પર હાલમાં ગંભીર મંદીના વાદળો ઘેરાયા છે. બજારમાં ખરીદી કે લેવાલીનો સદંતર અભાવ અને બીજી તરફ તૈયાર માલના તોતિંગ સ્ટોકથી ઘેરાયેલા સુરતના સાયણ ઝોનના વિવર્સ દ્વારા એક તાકીદની અને અત્યંત મહત્ત્વની ચિંતન બેઠક યોજવામાં આવી હતી. કાપડના ઉત્પાદન સામે માર્કેટમાં ડિમાન્ડ ન હોવાથી કારખાનેદારો પાસે લાખો મીટર ગ્રે કાપડ જમા થઈ રહ્યું છે, જ્યારે સામે પક્ષે કાચા માલ એવા યાર્નના ભાવો સતત વધી રહ્યા હોવાથી વિવર્સો બેવડા માર હેઠળ પીસાઈ રહ્યા છે. આ નાજુક આર્થિક સ્થિતિને થાળે પાડવા માટે સાયણ ઝોનના તમામ વિવર્સોએ એકત્રિત થઈને દિવાળી વેકેશન 15 દિવસ લંબાવવાનો ઐતિહાસિક અને સામૂહિક નિર્ણય લીધો છે.

સુરતના કાપડ ઉદ્યોગ પર મંદીના વાદળો

માર્કેટમાં તૈયાર કાપડનો મોટો જથ્થો જમા થઈ જતાં ભાવમાં ધોવાણ થઈ રહ્યું હતું. દિવાળી વેકેશન વધારવાથી આગામી ૧૫ દિવસમાં અંદાજે 60 કરોડ મીટર કાપડનું ઉત્પાદન પાઈપલાઈનમાંથી ઘટી જશે, જેના કારણે બજારમાં માલનો ભરાવો અટકશે.વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં કાચા માલ (યાર્ન) ના ભાવ સતત વધી રહ્યા છે, જેની સામે તૈયાર ગ્રે કાપડના વાજબી ભાવ ન મળતાં કારખાના ચલાવવા ખોટનો સોદો સાબિત થઈ રહ્યા હતા.કારખાનેદારોએ આર્થિક રીતે ટકી રહેવા માટે ઉત્પાદન પર બ્રેક મારવી અનિવાર્ય ગણાવી હતી, જેથી માર્કેટમાં માંગ અને પુરવઠાનું સંતુલન જળવાઈ રહે.

વીજ સંકટ મુદ્દે વિવર્સ અગ્રણી વિજય માંગુકિયા DGVCL સમક્ષ રજૂઆત કરશે

કાપડ ઉદ્યોગ માત્ર મંદી જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અવારનવાર સર્જાતા વીજ સંકટ અને અનિયમિત પાવર સપ્લાયથી પણ ભારે ત્રસ્ત છે.વિવર્સ એસોસિએશનના અગ્રણી વિજય માંગુકિયા વીજળી સંબંધિત સમસ્યાઓ, ટ્રિપિંગ અને વીજ સંકટના કાયમી ઉકેલ માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના ઉચ્ચ સત્તાધીશો સમક્ષ વિગતવાર રજૂઆત કરશે.વિવર્સની સ્પષ્ટ માંગ છે કે મંદીના આ કપરા સમયમાં જો પાવર સપ્લાય પણ ખોરવાય તો ઉદ્યોગનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે, જેથી વીજ કંપની સહાનુભૂતિપૂર્વક યોગ્ય પગલાં ભરે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાતમાં 1 IAS અને 5 GAS અધિકારીઓને વધારાનો ચાર્જ, આદિવાસી જિલ્લાઓમાં સોંપાઈ મહત્વની જવાબદારી