અમદાવાદના ગીચ રહેણાંક વિસ્તાર ગણાતા નિકોલમાં ગત મોડી રાત્રે આગની એક અત્યંત ગંભીર અને ભયાનક દુર્ઘટના સામે આવી છે. નિકોલ સ્થિત જાણીતી ઉમા સ્કૂલ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં અચાનક રાંધણગેસના સિલિન્ડરમાં આગ ભભૂકી ઊઠી હતી. ઘરની અંદર લાગેલી આગની આ વિકરાળ જ્વાળાઓ જોતજોતામાં સોસાયટીની લગોલગ ઊભા કરાયેલા ફટાકડાના કામચલાઉ માંડવા (સ્ટોલ) સુધી પ્રસરી ગઈ હતી.
રાંધણગેસના સિલિન્ડરમાં આગ ભભૂકી
ફટાકડાના અતિ જ્વલનશીલ જથ્થાને કારણે આગે પલકવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધડાકાભેર 7 થી 8 ફટાકડાના સ્ટોર્સ બળીને ખાખ થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારમાં મોડી રાત્રે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.
સિલિન્ડરથી માંડવા સુધી આગ પ્રસરી
ઉમા સ્કૂલ પાસે રહેણાંક સોસાયટીના એક મકાનમાં મોડી રાત્રે અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. પરિવારે બહાર દોડી આવી બૂમાબૂમ કરી હતી, પરંતુ આગની લપટો એટલી ઊંચી હતી કે તે નજીકના ખુલ્લા પ્લોટમાં ઊભા કરાયેલા ફટાકડાના મંડપ સુધી પહોંચી ગઈ હતી.ફટાકડાના માંડવામાં આગ પકડતાં જ એક પછી એક ફટાકડા ફૂટવા લાગ્યા હતા અને જોતજોતામાં આસપાસના ૭ થી ૮ જેટલા ફટાકડાના સ્ટોલ બળીને સંપૂર્ણ રાખ થઈ ગયા હતા. વેપારીઓનો લાખો રૂપિયાનો સ્ટોક આગની ભેટ ચડી ગયો હતો.મોડી રાત્રે દુકાનો બંધ થવાની તૈયારીમાં હતી અને ગ્રાહકોની ભીડ ઓછી હતી, સાથે જ ફાયર ટીમોએ સમયસૂચકતા વાપરી તુરંત આગ ઘેરી લેતાં સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી.
આ પણ વાંચો: Rajkot: બપોરે ECG નોર્મલ આવ્યો ને રાત્રે કાળમુખો એટેક ભરખી ગયો! નવા વર્ષે 35 વર્ષીય શિવરાજનું હૃદય થંભી ગયું