નૂતન વર્ષના પ્રારંભે સમગ્ર રાજ્ય જ્યારે ઉત્સવ અને ખુશીઓના માહોલમાં ડૂબેલું હતું, ત્યારે રાજકોટ શહેરમાંથી અત્યંત કાળજું કંપાવી દેતી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરમાં રહેતા ૩૫ વર્ષીય આશાસ્પદ યુવાન મોહિલ ઉર્ફે શિવરાજ ચૌહાણનું સાયલન્ટ હાર્ટ એટેક આવી જતાં અકાળે કરૂણ મોત નીપજ્યું છે. નવા વર્ષના પાવન દિવસે જ પરિવારના મોભી સમા યુવાન પુત્રના અણધાર્યા વિદાયથી પરિવારમાં દિવાળીનો આનંદ પલકવારમાં માતમ અને આક્રંદમાં ફેરવાઈ ગયો હતો. મૃતક શિવરાજભાઈ પોતાની પાછળ 5 વર્ષના માસૂમ પુત્ર અને પત્ની સહિતના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે.
બપોરે ECG રિપોર્ટ નોર્મલ આવ્યો, રાત્રે અચાનક ફરી દુખાવો ઉપડ્યો
શિવરાજ ચૌહાણને ગઈકાલે બપોરના સમયથી છાતીમાં સામાન્ય દુખાવાની ફરિયાદ રહેતી હતી. જેથી પરિવારે તાત્કાલિક તબીબી તપાસ કરાવી તેમનો કાર્ડિયોગ્રામ (ECG) કરાવ્યો હતો. જોકે, તે સમયે ઇસીજી રિપોર્ટ સામાન્ય આવ્યો હોવાથી પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ગત મોડી રાત્રિના સુમારે અચાનક શિવરાજભાઈને ફરીથી છાતીમાં અસહ્ય અને તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડતાં પરિવારે સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી.108 ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપી તેમને રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ફરજ પરના તબીબોએ તપાસીને તેમને સારવાર મળે તે પૂર્વે જ મૃત જાહેર કર્યા હતા. યુવાન વયે અચાનક હૃદય બંધ પડી જવાથી થયેલા મોત અંગે સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી કાગળો તૈયાર કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
