ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે હોદ્દાનો ગેરઉપયોગ કરી સંસ્થાને કરોડોનું આર્થિક નુકસાન પહોંચાડવાના ગંભીર આરોપો સામે આવ્યા છે. પૂર્વ સિન્ડિકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલે કરેલા આક્ષેપ પ્રમાણે તેમણે કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ મળેલી 40 કરોડની ગ્રાન્ટમાં થયેલી ગેરરીતિ મુખ્ય કેન્દ્રસ્થાને છે.નીરજા ગુપ્તાએ આ પ્રોજેક્ટમાં સ્વયં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનીને નિયમિત પગાર સિવાય 4.20 લાખનું વધારાનું એલાઉન્સ મેળવ્યું હતું. આ ગ્રાન્ટમાંથી 9.84 લાખની રકમ જર્મની રહેતા તેમના પુત્રના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
વીડિયો શેર કરી નિરજા ગુપ્તાએ પોતાનો બચાવ કર્યો
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢતા જણાવ્યું છે કે તેમની સામે ભ્રામક નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે અને અંગત સ્વાર્થ ખાતર તેમને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.નાણાકીય અનિયમિતતાના આરોપો અંગે સ્પષ્ટતા કરતા નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, 40 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર ચોક્કસ થયો હતો પરંતુ તેમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન થયું જ નથી.
