ગુજરાત યુનિવર્સિટીમાં લાંચ લેવાનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. યુનિવર્સિટીના HDRC ના ડાયરેક્ટર પાસે રૂપિયા 75 લાખની લાંચ માંગનાર પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા વિરુદ્ધ FIR નોંધવાની માંગ સાથે NSUI ના કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.


શ્વેતલ સુતરિયાનું લેવાયું હતું રાજીનામું

અગાઉ આ મામલે NSUI ના વિરોધ બાદ શ્વેતલ સુતરિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું પરંતુ FIR નોંધાઈ ન હોવાથી NSUI એ ફરીથી આ મુદ્દાને ઉઠાવ્યો છે. NSUI ના કાર્યકરોએ જણાવ્યું હતું કે, માત્ર રાજીનામું લેવાથી આ ભ્રષ્ટાચારનો અંત આવ્યો નથી. જો ભ્રષ્ટ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી ન થાય તો ભવિષ્યમાં આવા કિસ્સાઓ વધતા રહેશે. તેમણે માંગ કરી છે કે, ખંડણી માંગનાર સિન્ડિકેટ સભ્ય સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન NSUI ના કાર્યકરોએ વધુ એક મહત્વની માંગ ઉઠાવી છે.

સિન્ડિકેટ સભ્યો દ્વારા આપેલા ટેન્ડરો રદ કરવા માંગણી

તમને જણાવી દઈએ કે, શ્વેતલ સુતરિયા અને અન્ય સિન્ડિકેટ સભ્યો દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન મંજૂર કરાયેલા તમામ ટેન્ડરોને તાત્કાલિક રદ્દ કરવાની માંગ કરી છે. NSUI ના મતે, આ ટેન્ડરોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે અને તેની પણ તપાસ થવી જોઈએ. ગુજરાત યુનિવર્સિટીના શાસકો માટે આ એક મોટી પડકારરૂપ પરિસ્થિતિ છે. એક તરફ ભ્રષ્ટાચારના આક્ષેપો અને બીજી તરફ વિદ્યાર્થી સંગઠનનો ઉગ્ર વિરોધ યુનિવર્સિટીની શાખને નુકસાન પહોંચાડી રહ્યો છે.


  • Follow us on: