અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સત્તાધિશોએ ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની વાતો શરૂ કરી દેવાઈ હતી. ચોમાસા પહેલા જ શહેરમાં રોડ બેસી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી હજુ પણ ગોકળગતિએ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.શહેરના મોટા ખાડાઓને લઈ કરાયેલા દાવા વચ્ચે હજુ પણ અનેક સ્થળોએ જોખમ યથાવત છે.
16 મોટા ખાડાઓમાંથી માત્ર 9 ખાડા પુરાયા
અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા 16 મોટા ખાડામાંથી હજુ સાત ખાડા ભરવાના બાકી છે. આ બાકી રહેલા ખાડાઓ પાસે હાલમાં બેરિકેટિંગ કરીને કામગીરી કરવાની સૂચના આપામાં આવી છે. ચોમાસા પહેલા રસ્તાઓ સુરક્ષિત બનાવવાના દાવા વચ્ચે કોર્પોરેશનની કામગીરીની ગતિ પર સવાલ ઉભા થયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા પ્રમાણે શહેરના ખાડાઓ પુરવા માટે સૂચના અપાઈ હતી જેમાંથી એક અઠવાડિયા બાદ શહેરમાં કુલ 16 મોટા ખાડાઓમાંથી માત્ર 9 ખાડા પુરાયા છે. જ્યારે 7 ખાડા હજુ યથાવત છે. હાલ બાકી રહેલા ખાડા આસપાસ બેરિકેટિંગ કરીને કામ ચાલુ રાખવા સૂચનાઓ અપાઈ છે.













