ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને જૂનાગઢ સહિતા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. બપોરે એક વાગ્યા સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જામનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજ્યના અન્ય તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.


10 વાગ્યા સુધીમાં 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો

ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 97 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના ઉમરાળામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. બરવાળામાં 3 ઈંચ, ધોલેરામાં 2.24 ઈંચ, ધંધુકામાં 2.09 ઈંચ, વલ્લભીપુરમાં 2 ઈંચ, રાજકોટમા 1.73 ઈંચ, પેટલાદમાં 1.65, ખંભાતમાં 1.34 ઈંચ અને થાનગઢમાં 1.18 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજયમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

આગામી 20 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 20 જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બોટાદમાં પણ વાહનો અને લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે.


  • Follow us on: