રાજ્યમાં રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના આંકડા પરથી નોકરી ધંધે કે અભ્યાસ માટે બહાર જતા પરિવારના સભ્યોની ચિંતા ઘરના સભ્યો કરે તેવી સ્થિતિ ઉદ્ભવી રહી છે.રાજ્યમાં રોડ અકસ્માતમાં 25થી 45 વર્ષની ઉંમરના રોજના દસ લોકો જીવ ગુમાવતા હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થયું છે.આ ઉંમરના લોકો સામાન્ય રીતે ઘરની જવાબદારીઓ પુરી કરવા માટે જોબ,વેપાર અર્થે સતત બહાર અવરજવર કરતા હોય છે.આંકડા પરથી સ્પષ્ટ થયું છે કે,વાહનને જાતે ડ્રાઈવ કરતા હોય, વોક કરતા હોય, સાયકલ પર જતા હોય કે પેસેન્જર તરીકે મુસાફરી કરતા હોય આ જ ઉંમરના લોકો અકસ્માતનો ભોગ વધુ બન્યા છે. 

રાજ્યમાં અકસ્માતના આંકડા શું કહે છે

આ આંકડા 25થી 45 વર્ષની ઉંમરના લોકો રોડ પર જતી વખતે વધુ સતર્ક રહેવાની જરૂર હોવાનો સંદેશ આપે છે.રાજ્યમાં રોડ અકસ્માતના આંકડા પર નજર કરીએ 2024માં વાહન ડ્રાઈવ કરતા હોય તેવા 3776 લોકોએ જીવ ગુમાવ્યો હતો.આ લોકોમાં 163 મહિલાઓનો સમાવેશ થાય છે.જેમાં 25થી 45 વર્ષની ઉંમરના 1928 પુરુષો અને 97 મહિલાઓનો સમાવેશ થાય છે.18થી 25 વર્ષની ઉંમરના 917 યુવક અને 42 યુવતીઓનો સમાવેશ થાય છે.આ જ રીતે પેસેન્જર તરીકે મુસાફરી દરમિયાન કુલ 1480 પુરુષો અને 583 મહિલાઓના મોત થયા જેમાં 25થી 45ની ઉંમરના 879 પુરુષ અને 316 મહિલાઓનો સમાવેશ થાય છે. 

ગંભીર ઈજા અને સામાન્ય ઈજાનો આંકડો પણ મોટો

આ જ કેટેગરીમાં રોડ અકસ્માતના આંકડામાં પણ ગંભીર ઈજા અને સામાન્ય ઈજાનો ભોગ બનેલા લોકોમાં 25થી 45 વર્ષની ઉંમરના લોકોનો આંકડો વધુ જોવા મળે છે.રાજ્યમાં આ સિવાય પગપાળા જતા કે સાયકલ પર જતા લોકોમાં અકસ્માતનો ભોગ બનેલા 25થી 45 વર્ષની ઉંમરના લોકોએ જીવ ગુમાવ્યો હોય તેઓની સંખ્યા વધુ છે.ટ્રાફિકના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઉંમરના લોકો જ નહીં પણ તમામ લોકોએ રોડ પર તેઓની હાજરી દરમિયાન સતર્ક રહેવું ખાસ જરૂરી છે.ખાસ કરી ટુવ્હીલર, સાયકલ ચાલકોએ રોડની ડાબી સાઈડમાં તેઓનું વાહન સ્પીડ લીમીટમાં ચલાવવું.ચાર રસ્તા પર વાહનને બ્રેક કરી જોઈને ક્રોસ રોડ પસાર કરવો કે ટર્ન લેવો વગેરે બાબતો ધ્યાન પર લેવી જરૂરી છે. 

રોડ અકસ્માતમાં 50 ટકા ઘટાડો થઈ શકે છે

આ ઉપરાંત રોડ ક્રોસ કરતી વખતે કેટલાક વ્યક્તિઓ ફોન પર વાત કરતા કે સિગ્નલ બંધ છે કે ચાલુ તે જોયા વગર જ રોડ ક્રોસ કરતા હોય છે.આ ઉપરાંત અમુક લોકો ગમે ત્યાંથી ડિવાઈડર પર ચડીને આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરવાનો પ્રયાસ છે,જે બાબતથી અજાણ વાહન ચાલકનો ઈરાદો ન હોવા છતાં પણ તેનાથી અકસ્માત થાય છે.આ જ રીતે પેસેન્જર તરીકે બેઠેલી વ્યક્તિના મામલામાં ટુવ્હીલરની પાછળ બેઠેલી વ્યક્તિ હેલ્મેટ પહેરે તો તેઓનો અકસ્માતમાં બચાવ થવાની શક્યતાઓ વધી જાય છે.નિયમનું લોકો યોગ્ય રીતે પાલન કરે તો રોડ અકસ્માતમાં 50 ટકા ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચોઃ Banaskantha News : આજથી અંબાજીમાં ભાદરવી પૂનમ મહા મેળાનો પ્રારંભ, 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટશે