ચોમાસાની શરૂઆતમાં જ અમદાવાદ શહેરમાં પડેલા સામાન્ય વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશન ની પ્રિ-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તાના ધજાગરા ઉડાવી દીધા છે. માત્ર પ્રાથમિક વરસાદ પડતાં જ શહેરના સ્માર્ટ રોડ ધોવાઈ ગયા છે અને ચોતરફ બિસ્માર હાલત જોવા મળી રહી છે. તંત્રના મોટા-મોટા દાવાઓ વચ્ચે પહેલા જ વરસાદમાં રસ્તાઓની નબળી ગુણવત્તા ખુલ્લી પડી ગઈ છે અને હાલમાં શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર 2000થી વધુ ખતરનાક ખાડાઓ પડી ગયા છે જે વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે.

964 મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલ વપરાયું 

મળતી માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન રસ્તાઓના સમારકામ માટે અત્યાર સુધીમાં અધધ 964 મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલ વાપરવામાં આવ્યો છે. જેમાં ઝોન વાઇઝ વિગતો જોઈએ તો, સૌથી વધુ પૂર્વ પશ્ચિમ ઝોનમાં 336.460 મેટ્રિક ટન અને પૂર્વ ઝોનમાં 226.720 મેટ્રિક ટન જથ્થો વપરાયો છે. આ ઉપરાંત પશ્ચિમ ઝોનમાં 136.510 મેટ્રિક ટન, દક્ષિણ ઝોનમાં 124.970 મેટ્રિક ટન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 83.700 મેટ્રિક ટન અને ઉત્તર ઝોનમાં 56.06 મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ રસ્તા સરખા કરવા માટે કરવામાં આવ્યો છે.

ઉત્તર ઝોનમાં 56.06 MT જથ્થો વપરાયો

આટલી મોટી માત્રામાં સરકારી નાણાં અને મટીરિયલનો વપરાશ કરાયો હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ ધોવાઈ જતાં રોડ બનાવવાની કામગીરીમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઊઠ્યા છે. કરોડો રૂપિયા ટેક્સ ભરતા સ્થાનિક નાગરિકોમાં તંત્ર તથા નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની આખી સીઝન હજુ બાકી છે ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ જોખમી ખાડાઓ પૂરવામાં આવે અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજ્યમાં વરસાદની 20 ટકા ઘટ, ચોમાસુ નબળુ પડતાં ઉકળાટનો અનુભવ થવાની શક્યતા