ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા સાર્વત્રિક વરસાદ બાદ હવે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી દિવસો દરમિયાન માત્ર સામાન્ય વરસાદની જ આગાહી છે. જેના કારણે લોકોને ફરી એકવાર અસહ્ય અકળામણ અને ઉકળાટનો અનુભવ થવાની શક્યતા સેવાઈ રહી છે. ચાલુ વર્ષે સીઝનનો સારો પ્રારંભ થયો હોવા છતાં, હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં ચોમાસાનો સરેરાશ વરસાદ હજુ પણ સામાન્ય કરતાં 20 ટકા જેટલો ઓછો નોંધાયો છે. ખેડૂતો આગામી દિવસોમાં સારા વરસાદના રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે.
માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી
બીજી તરફ, વહીવટી તંત્ર અને હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 12થી 14 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ દિવસો દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 20થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે. સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તટીય વિસ્તારોના લોકોને પણ દરિયા કિનારે ન જવા તાકીદ કરવામાં આવી છે.
આજે આ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ,દાદરા અને નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે.
આવતીકાલે આ વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે
આ ઉપરાંત આવતીકાલે અને 14 જુલાઈએ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ,દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની પ્રબળ સંભાવના છે.આ ઉપરાંત,સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા તો ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.રાજ્યના બાકીના અન્ય તમામ જિલ્લાઓમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Rajkot News: કોઈ યુવાન કે નબીરો નહીં પણ વૃદ્ધાએ સ્કોર્પિયો કારમાં સ્ટંટ કર્યો, જુઓ Video