રાજકોટ શહેરમાંથી અવારનવાર નબીરાઓ દ્વારા પૂરપાટ ઝડપે કાર ચલાવીને કે જોખમી સ્ટંટ કરીને રીલ બનાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક તદ્દન અલગ જ પ્રકારનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કોઈ યુવાન કે નબીરો નહીં, પરંતુ એક વૃદ્ધા કાળા કલરની વૈભવી સ્કોર્પિયો કારમાં જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. 

https://www.instagram.com/reel/Dar1XQ5DDRV/


કાળા કલરની સ્કોર્પિયો કારમાં કર્યા સ્ટંટ 

ઉંમરના આ પડાવે વૃદ્ધા દ્વારા કરવામાં આવેલા આ જોખમી સ્ટંટે સોશિયલ મીડિયા યુઝર્સનું ભારે ધ્યાન ખેંચ્યું છે અને આ વીડિયો વાયરલ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વૃદ્ધા ચાલુ ગાડીએ જોખમી રીતે સ્ટંટ કરી રહ્યા છે. આ ઘટના જે કારમાં અંજામ આપવામાં આવી છે તેનો નંબર GJ03PR0010 હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાળા કલરની આ સ્કોર્પિયો કારમાં વૃદ્ધાનો અંદાજ અને તેમની સ્ટંટ કરવાની રીત જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.  

સ્ટંટ કરતો વીડિયો સો. મીડિયામાં વાયરલ

બીજી તરફ જાહેર રસ્તા પર આ પ્રકારે સ્ટંટ કરવા બદલ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે સ્થાનિક પોલીસ પણ એક્શન મોડમાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને અને પોતાના તેમજ અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકીને જાહેર રોડ પર સ્ટંટ કરવા બદલ અગાઉ પણ પોલીસે અનેક લોકો સામે કડક કાર્યવાહી કરી છે. ત્યારે વાયરલ વીડિયોમાં દેખાતી સ્કોર્પિયો કારના નંબરના આધારે રાજકોટ પોલીસ કારના માલિકને શોધી કાઢીને આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે નહીં, તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ Rajkot News: ગોંડલમાં બ્રાન્ડેડ મસાલાના નામે ઝેર પીરસતી ફેક્ટરી ઝડપાઇ, 41.91 લાખનો શંકાસ્પદ જથ્થો સીઝ