રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાએ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં ધમધમતી એક મસાલાની ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મોટો દરોડો પાડ્યો છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આ ફેક્ટરીમાંથી પોલીસે 41,91,350ની કિંમતનો શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલાનો મસમોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાતમીને આધારે દરોડા પાડ્યા
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત એસ.ઓ.જી. શાખાના પીએસઆઈ જી.જે. ઝાલા અને તેમની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ગુંદાળા ગામની સીમમાં આવેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ માં જે.પી. મસાલા નામના કારખાનામાં મોટા પાયે ભેળસેળ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ઓફિસરને સાથે રાખી ગોડાઉન પર ત્રાટકી તપાસ હાથ ધરી હતી.
કૃત્રિમ કલર ઉમેરવામાં આવતો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પોતાના આર્થિક ફાયદા માટે ઓછા જથ્થામાંથી વધુ જથ્થો બનાવવા માટે મસાલાની અંદર ભારે પ્રમાણમાં ભેળસેળ કરતો હતો. આ ભેળસેળમાં ધાણાજીરુંની અંદર ધાણાજીરુંનું જ ભુસું ઉમેરવામાં આવતું હતું. જ્યારે મરચું અને હળદરમાં સસ્તા ભાવનો મકાઈનો લોટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી તેમાં આકર્ષક દેખાડવા માટે કૃત્રિમ કલર ઉમેરવામાં આવતો હતો. આ નકલી અને ઝેરી મસાલા બજારમાં અસલી તરીકે વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હતા.
ગોંડલના જ એક વેપારીની ધરપકડ કરી
પોલીસે આ મામલે ગોંડલના જ એક વેપારીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ મિતુલભાઈ ઉર્ફે મનીષભાઈ ગીરધરભાઈ બાલધા છે. જે ગોંડલ તાલુકામાં માલધારી હોટલ પાછળ આવેલી મુરલીધર રેસીડેન્સીમાં રહે છે અને મસાલાનો વેપાર કરે છે.દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત મસાલા (મરચું, જીરું, ધાણાજીરું, હળદર) નો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેની કુલ અંદાજિત કિંમત 41,91,350/- જેટલી થવા જાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ સીઝ કર્યો છે. ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat News: કાપોદ્રામાં રચના રોડ પર 35 ફૂટ ઊંડો અને 50 ફૂટ પહોળો ભુવો પડ્યો, BRTS બસનું ટાયર ફસાયું