વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ ખાતે દેશના ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા 'CG Semi પ્રાઇવેટ લિમિટેડ'ના ભવ્ય સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદ હવે દેશના અગ્રણી સેમિકન્ડક્ટર હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે, અને આ પ્લાન્ટ તે દિશામાં એક મોટું સીમાચિહ્ન સાબિત થશે.
PM મોદીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
વડાપ્રધાન મોદી બપોરે 3.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાંથી તેઓ સીધા સાણંદ જવા રવાના થશે અને સાંજે 4.30 વાગ્યે સાણંદ સ્થિત સેમિકન્ડક્ટર પ્લાન્ટ પર પહોંચશે. પીએમ મોદી આ અત્યાધુનિક પ્લાન્ટ પર અંદાજે પોણા બે કલાક જેટલો સમય વિતાવશે અને પ્લાન્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે. આ હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અર્જુન મોઢવાડિયા સહિતના વરિષ્ઠ નેતાઓ અને મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેશે.
રૂ. 7600 કરોડનો પ્રોજેક્ટ અને રોજગારીની તકો
સાણંદમાં આવેલો આ પ્લાન્ટ અંદાજે રૂ. 7600 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં આ પ્લાન્ટમાં 300 જેટલા ટેકનિકલ કર્મચારીઓ કાર્યરત છે. જોકે, આગામી 5 વર્ષમાં આ પ્રોજેક્ટ દ્વારા આશરે 5000 જેટલી નવી રોજગારીની તકો ઊભી કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક યુવાનોને મોટા પાયે રોજગારી મળશે.
રોજની 1.5 કરોડ ચિપ્સનું થશે ઉત્પાદન
મળતી માહિતી મુજબ, CG સેમી. પ્રાઇવેટ લિમિટેડના અન્ય એક પ્લાન્ટનું કામ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બંને પ્લાન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ, અહીં દૈનિક આશરે 1.5 કરોડ જેટલી સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી ભારતની સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિદેશો પરની નિર્ભરતા ઘટશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વેગ મળશે.
આ પણ વાંચો - Ahmedabad: આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી, 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આદેશ