વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ રાજ્યના મંત્રીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. વડાપ્રધાનને આવકારવા લોકોની ભીડ જામી છે. વડાપ્રધાનને આવકારવા મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામા જનમેદની ઉમટી પડી છે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ શો શરૂ થયો છે. વડાપ્રધાનને આવકારવા લોકો બિલ્ડિંગો પર ચઢી ગયા છે.સિંદૂર સાથે મહિલાઓએ વડાપ્રધાનનું વિશેષ સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન મોદી સભા સ્થળે પહોંચ્યા હતાં. ત્યાં તેમને સ્મૃતિ ચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સભા સ્થળ પર મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહ્યાં છે.રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. ગોબરમાંથી બનાવેલી ગણેશની મૂર્તિ આપીને વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે.વડાપ્રધાને રીમોર્ટ કંટ્રોલથી 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યાં હતાં. 


ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓના શ્રીગણેશ થયાં

વડાપ્રધાને ગુજરાતીમાં આજે તો તમે રંગ રાખ્યો છે હોં એમ કહેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ઘણીવાર વિચાર આવે કે કેવું નસીબ છે કે આ લાખો લોકોનો પ્રેમ અને આશિર્વાદ મળ્યાં છે. આપ સૌનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તેમણે કહ્યું હતું કે, આ સમયે દેશભરમા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાના આશિર્વાદથી અમે ગુજરાતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓના શ્રીગણેશ થયાં છે. હું આ વિકાસ માટે આપ સૌને શુભકામનાઓ પાઠવું છું.

હું તમામ પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું

ચોમાસાની સિઝનમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. દેશમાં પણ વાદળ ફાટવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ટીવી પર જ્યારે વિનાશ લીલા જોઈએ છીએ ત્યારે ખુદને સંભાળવું મુશ્કેલ થઈ જાય છે. હું તમામ પ્રભાવિત લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરૂ છું. ગુજરાતની આ ધરતી એ  બે મોહનની ધરતી છે. એક સુદર્શન ધારી મોહન એટલે કે આપણા દ્વારકાધીશ અને બીજા ચરખાધારી મોહન એટલે સાબરમતીના સંત મહાત્મા ગાંધીની ભૂમિ છે. ભારત આજે આ બંનેના બતાવેલા રસ્તા પર ચાલીને નિરંતર સશક્ત થઈ રહ્યો છે. સુદર્શન ચક્ર ધારી મોહને આપણને શીખવાડ્યું છે કે દેશ અને સમાજની રક્ષા કેવી રીતે કરવી જોઈએ. તેમણે સુદર્શન ચક્રને ન્યાય અને સુરક્ષાનું કવચ બનાવ્યું છે. જે દુશ્મનને પાતાળમાંથી શોધીને સજા આપે છે. આજે આ ભાવ ભારતના ફેંસલાથી દુનિયા અનુભવી રહી છે.

દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો છે.

તેમણે કહ્યું હતું કે, તમે અમદાવાદીઓએ કેવા કેવા દીવસો જોયા છે. જ્યારે હુલ્લડબાજો અને ચક્કા ચાલવનારાઓ લોકોને ઢાળી દે,. કર્ફ્યૂમાં જીવન ગુજારવું પડે. વાર તહેવારે અમદાવાદની ધરતી રક્ત રંજિત થઈ જાય છે.  આતંકવાદીઓ આપણુ લોહી વહાવે છે અને દિલ્હીમાં બેઠેલી કોંગ્રેસ સરકાર કંઈજ નહોતી કરતી. પરંતુ આજે આતંકવાદી અને તેમના આકાઓને અમે છોડતા નથી. ચાહે તેઓ ક્યાંય પણ છુપાયા હોય દુનિયાએ જોયું છે પહેલગામનો બદલો ભારતે કેવી રીતે લીધો છે. 22 મિનિટમાં બધુ સફાચટ કરી નાખ્યું. સેંકડો કિ.મી અંદર જઈને આતંકવાદની નાભી પર હુમલો કર્યો. ઓપરેશન સિંદુર અમારી સેનાનું શૌર્ય અને સુદર્શન ચક્રધારી મોહનના ભારતની ઈચ્છાશક્તિનું પ્રતિક બન્યું છે. ચરખા ધારી મોહન આપણા પૂજ્ય બાપુએ ભારતની સમૃદ્ધિનો રસ્તો સ્વદેશીમાં બતાવ્યો હતો. આ આશ્રમ તેનો સાક્ષી છે. જે પાર્ટીએ તેમના નામનો લાભ લઈને સત્તા સુખ ભોગવ્યું તેને બાપુની આત્માને કચડી નાંખ્યું. બાપુના સ્વદેશીના મંત્ર સાથે શું કર્યું. 

ભારતે આત્મ નિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો

તમે એ લોકોના મોઢે ક્યારેય સ્વચ્છતા અને સ્વદેશી શબ્દ નહીં સાંભળ્યો હોય. આ દેશ સમજી જ નથી શકતો કે તેમની સમજને શું થયું છે. 60થી 65 વર્ષ દેશ પર શાસન કરનારી કોંગ્રેસ  પાર્ટી ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યો. પરંતુ આજે ભારતે આત્મ નિર્ભરતાને વિકસિત ભારતના નિર્માણનો આધાર બનાવ્યો છે. આપણા ખેડૂતો અને માછીમારો,  પશુપાલકો અને ઉદ્યમીઓના દમ પર ભારત તેજીથી વિકાસના રસ્તા પર ચાલી રહ્યો છે. આત્મનિર્ભરતાના રસ્તા પર આગળ વધી રહ્યો છે. આપણા ગુજરાતમાં તો પશુપાલકો એટલી બધી સંખ્યામાં છે. પશુપાલનમાં ગુજરાતમાં બહેનોનું મોટુ યોગદાન છે. બહેનોએ પશુપાલનમાં યોગદાન આપીને આપણા ડેરી સેક્ટરને આત્મનિર્ભર બનાવ્યું. જેના ચારે તરફ જયગાન ચાલી રહ્યાં છે. 

મોદી માટે તમારુ હીત સર્વોપરી છે

આજે દુનિયામાં આર્થિક સ્વાર્થ વાળી રાજનીતિમાં સૌ કોઈ પોતાનું કરવા મથી રહ્યુ ંછે. તેને આપણે જોઈ રહ્યાં છીએ. હું અમદાવાદની આ ધરતી  પરથી આપણા નાના ઉદ્યમીઓ અને નાના વેપારીઓ, ખેડૂતો અને મજૂરોને કહીશ કે હું ગાંધીની ધરતી પરથી બોલી રહ્યો છું. દરેક માટે હું તમને વારંવાર વાયદો કરૂ છું. મોદી માટે તમારુ હીત સર્વોપરી છે. મારી સરકાર, પશુપાલકો, ખેડૂતો અને નાના વેપારીઓનું ક્યારેય અહિત નહીં કરવા દે. આજે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું જે વાતાવરણ બન્યું છે તેના સુખદ પરિણામ આપણે ચારે તરફ જોઈ રહ્યાં છીએ. આજે તમામ પ્રકારની ઈન્ડસ્ટ્રીઝનો વિસ્તાર ગુજરાતમાં થઈ રહ્યો છે. કેવી રીતે આપણું રાજ્ય મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે. 

મુંબઈમાંથી ગુજરાતને અલગ કરવાનું આંદોલન ચાલતુ હતું

વડાપ્રધાન મોદીએ મુંબઈમાંથી ગુજરાતને અલગ કરવાનું આંદોલન ચાલતુ હતું મહાગુજરાત આંદોલન, ત્યારે અનેક લોકો આપણને કહેતા કે તમે ગુજરાતને અલગ કરીને શું કરશો તમારી પાસે છે શું. રાજ્યમાં ઉદ્યોગ અને ખેતી સહિત નદી કશું જ ના હોય તો શું કરશો. લોકો આપણી મજાક ઉડાવતા હતાં. પરંતુ ગુજરાતને માથે જ્યારે જવાબદારી આવી ત્યારે રાજ્યના લોકોએ પાછીપાની કરી નહીં અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને જવાબ મળ્યો છે.આજે ગુજરાતમાંથી ડાયમંડ વિદેશમાં નિકાસ થાય છે.આજે ગુજરાતમાં બનેલા મેટ્રો ના કોચ બીજા દેશોમાં એક્સપોર્ટ થઈ રહ્યાં છે. દેશમા વિમાનના અલગ અલગ પાર્ટ બનાવવા અને તેમના એક્સપોર્ટનું કામ પહેલાથી ચાલુ હતું. ગુજરાતમાં વિમાન બને એટલે આનંદ થાય કે ના થાય. ગુજરાત હવે સેમિકંડક્ટર સેક્ટરમાં મોટું નામ કરવા જઈ રહ્યું છે. આ સાથે જ હાંસલપુરમાં ઈવી વ્હીકલ બનાવવામાં આવશે. ત્યારે વડોદરામાં પ્લેન પણ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે.

ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રોકેમિકલનું હબ બની રહ્યું છે

હું એરપોર્ટથી આવતો હતો ત્યારે રોડ શો તો ભવ્ય હતો. મારી નજર ફરતી હતી ચારે બાજુ જેમાં મેં જોયું મોટા ભાગના ઘરોના ધાબામાં રૂફટોપ સોલાર પાવરના પ્લાન્ટ દેખાતા હતાં. ગુજરાત ગ્રીન એનર્જી અને પેટ્રોકેમિકલનું હબ બની રહ્યું છે. જે આપણો પ્લાસ્ટિક ઉદ્યોગ છે, સિન્થેટિક ફાયબર છે, દવાઓ છે તેનો સૌથી મોટો આધાર પેટ્રો કેમિકલ સેક્ટર જ છે. ગુજરાતમાં જૂના ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં ભૂંગળા બંધ થયા પણ ઠેર ઠેર વિકાસના વાવટા ફરકાવ્યા છે. આ તમામા પ્રયાસો આત્મનિર્ભર ભારતને મજબૂત કરે છે. ગુજરાતમાં રોડ અને રેલ સાથે જોડાયેલા પ્રોજેક્ટોનો શિલાન્યાસ કરાયો છે. હવે રોડ નેટવર્ક ડેવલોપ થવાથી ટ્રાફિક જામની સમસ્યા દૂર થશે. નવા અંડરપાસ અને રેલવે ઓવરબ્રિજ અને મેટ્રો રેલનો પણ વિસ્તાર થઈ રહ્યો છે.  SP રિંગ રોડ હવે સિક્સલેન બની રહ્યો છે.સૌથી ભીડવાડા વિસ્તારમાં ટ્રાફિક ઓછો થશે. નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ કનેક્ટીવિટી સારી બનશે.

મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, છેવાડા લોકોને પ્રાથમિકતા અપાશે.

અમારી સરકાર શહેરમાં રહેનારા ગરીબોને સન્માનનું જીવન આપવા પ્રતિબદ્ધ છે. રામાપીરના ટેકરામાં 1500 ગરીબોને પાકા મકાન મળશે. આ વખતે નવરાત્રિ  અને દિવાળીમાં આ ઘરોમાં રહેનારા લોકોની ખુશીમાં વધારો થશે. સાચી શ્રદ્ધાંજલિરૂપે અમદાવાદમાં સાબરમતી આશ્રમનું નવીનીકરણ પણ થઈ રહ્યું છે. આપણા શ્રમિક પરિવારોને સારુ જીવન મળે તે અમારુ મિશન હતું. જેથી કેટલાક વર્ષો પહેલા અમે પાકા મકાનો બનાવવાનો નિર્ણય લીધો હતો. ઝૂંપડીઓની જગ્યાએ પાકા મકાનો બનાવવાનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે. જેને કોઈને નથી પુછ્યું મોદી તેને પૂજે છે.  મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, છેવાડા લોકોને પ્રાથમિકતા અપાશે. છેલ્લા 11 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીથી બહાર આવ્યા છે. વિશ્વના વિશ્વના આર્થિક નિષ્ણાતો તેની ચર્ચાઓ કરી રહ્યાં છે. 

અમદાવાદ શહેર અને સપના અને સંકલ્પોનું શહેર બન્યું

અમદાવાદ શહેર અને સપના અને સંકલ્પોનું શહેર બન્યું છે. એક સમયે લોકો અમદાવાદને ખાડાવાદ કહીને મજાક ઉડાવતા હતાં. મને ખુશી છે કે આજે સ્વચ્છતાના નામે અમદાવાદ દેશમાં નામ બનાવે છે. સ્વચ્છતા અભિયાન પેઢી દર પેઢી અને રોજે રોજ કરવાનું કામ છે. સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ તો જ ધાર્યું પરિણામ મેળવી શકીએ. સાબરમતી નદીના કેવા હાલ હતાં. ત્યાં બાળકો ક્રિકેટ રમતા હતાં. અમદાવાદના લોકોએ સંકલ્પ લીધો અને સ્થિતિને બદલીશું આજે સાબરમતી રિવરફ્રન્ટ શહેરનો પ્રભાવ વધારે છે. આજે તે હરવા ફરવાનું સ્થળ બની ગયું છે. અમદાવાદ આજે ટુરિઝમનું એક કેન્દ્ર બની ગયું છે.

સ્વદેશી અપનાવવાનો જીવન મંત્ર બનાવો

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશવાસીઓને હું આગ્રહ કરી રહ્યો છું કે આપણે જીવનમાં એક મંત્ર બનાવવાનો છે. આપણે જે પણ ખરીદીશું મેઈડ ઈન ઈન્ડિયા ખરીદીશુ. ભારતના લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ જ ખરીદો. દુકાનદાર, વેપારીઓને કહેવા માગું છું કે, દેશને આગળ વધારવામાં તમારુ મોટુ યોગદાન છે. તમે ગર્વ સાથે બોર્ડ લગાવો કે મારા ત્યાં સ્વદેશી વેચાય છે. આ ઉત્સવ ભારતની સમૃદ્ધિના મહોત્સવ બનશે.સ્વદેશી એટલે વિકસીત ભારત બનાવવા માટેનો રાજમાર્ગ છે. જે લોકો ચીજ વસ્તુઓ બનાવે છે તેમને મારી વિનંતી છે કે, ગુણવત્તામાં સુધારો કરો અને તેની કિંમત ઘટાડો. ભારતનો નાગરિક ક્યારેય બહારથી કશું ખરીદશે નહીં. ગુજરાતે મને જેવો સાથ આપ્યો તેવો દેશ પણ મને સાથ આપશે.






 


  • Follow us on: