દેશ અને રાજ્યની આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોતાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા પોલીસ જવાનોના અપ્રતિમ શૌર્યને નમન કરવા માટે દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ દેશભરમાં ‘પોલીસ સ્મૃતિ દિવસ’ (પોલીસ સંભારણા દિવસ) ઉજવવામાં આવે છે. આ અંતર્ગત અમદાવાદના શાહીબાગ સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે શહીદ સ્મારક પર ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો.
પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદ સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કરી વીરગતિ પામેલા પોલીસ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે સ્થાનિક સાંસદો, ધારાસભ્યો, રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
‘ગુજરાતની સુરક્ષા પોલીસના સમર્પણનું પરિણામ’
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ દળની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરતાં જણાવ્યું, પ્રજાની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે શહીદી વહોરનારા બહાદુર પોલીસ જવાનોના ઋણને ક્યારેય ચૂકવી શકાય તેમ નથી.પોલીસ સંભારણા દિવસ એ માત્ર ઔપચારિક કાર્યક્રમ નથી, પરંતુ ખાખી વર્દીના ત્યાગ, કર્તવ્યનિષ્ઠા અને બલિદાનને યાદ કરવાનો પવિત્ર દિવસ છે.દેશ અને રાજ્યની આંતરિક સુરક્ષા જાળવવામાં ગુજરાત પોલીસની કામગીરી હંમેશાં પ્રશંસનીય રહી છે.તાજેતરમાં સંપન્ન થયેલી નવરાત્રિનો મહાપર્વ સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો તે બદલ તેમણે પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.મુખ્યમંત્રીએ ગૌરવ સાથે ઉમેર્યું કે, "આજે ગુજરાતની દીકરી કોઈપણ પ્રકારના ડર વગર અડધી રાત્રે પણ સુરક્ષિત રીતે ફરી શકે છે, તે આપણા પોલીસ જવાનોની સતર્કતા અને સજ્જતાને આભારી છે."
DGP જી. એસ. મલિકે 21 ઓક્ટોબરનું ઐતિહાસિક મહત્વ સમજાવ્યું
રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિકે આ દિવસની પૃષ્ઠભૂમિ અંગે વિગતો આપતાં જણાવ્યું, 21 ઓક્ટોબર 1959ના રોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે દેશની સરહદોની રક્ષા કરતાં સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા, જેમના માનમાં સમગ્ર દેશમાં દર વર્ષે 21 ઓક્ટોબરને ‘પોલીસ સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે.ફરજ દરમિયાન શહીદી વહોરનારા પોલીસ જવાનોનું બલિદાન હંમેશાં પોલીસ દળ અને રાષ્ટ્ર માટે પ્રેરણારૂપ બની રહેશે.રાજ્યભરમાં તહેવારો અને કટોકટીના સમયમાં સતત ખડેપગે રહીને સેવા આપતા પોલીસકર્મીઓની મહેનતથી જ રાજ્ય સુરક્ષિત રહે છે.
શાહીબાગ ખાતે શોક પરેડ અને પુષ્પાંજલિ અર્પણ
કાર્યક્રમ દરમિયાન શહીદ પોલીસકર્મીઓની સ્મૃતિમાં શોક શસ્ત્ર અને સલામી પરેડ યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ડીજીપી જી. એસ. મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પિત કરી મૌન પાળીને શહીદોને નમન કર્યા હતા.શહીદ થયેલા પોલીસ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રાજ્ય સરકાર હંમેશાં પોલીસ પરિવારોની પડખે ઊભી રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Rajkot: આજી-ન્યારી ડેમમાં માત્ર 20 દિવસ ચાલે તેટલું પાણી, 10 નવેમ્બર પછી ગમે ત્યારે આવી શકે છે પાણીકાપ!