અમદાવાદ શહેરમાં યોજાનારી વિવિધ સરકારી ભરતીઓ તેમજ UPSC સિવિલ સર્વિસિસની મહત્વપૂર્ણ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ તટસ્થ, શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરી તૈયારીના ભાગરૂપે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
21 ઓગસ્ટથી 30 ઓગસ્ટ દરમિયાન આ તારીખોએ લાગુ રહેશે નિયમો
પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર, આગામી 21, 22, 23, 26 અને 30 ઓગસ્ટના રોજ યોજાનારી પરીક્ષાઓ દરમિયાન નિયમો કડક રીતે અમલી રહેશે. આ દિવસોમાં અમદાવાદના નક્કી કરાયેલા તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો લાગુ કરી દેવામાં આવ્યા છે.
પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટોળા ભેગા કરવા અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ
જાહેરનામા મુજબ, પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર તેમજ કોઈપણ પ્રકારના અવાજ કરતા લાઉડસ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રના પરિસરમાં ઉમેદવારો સિવાયના કોઈપણ અનધિકૃત વ્યક્તિ કે સગા-સંબંધિઓના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને મોબાઈલ ફોન લઈ જવા પર મનાઈ
પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે ઉમેદવારો માટે પણ કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન ઉમેદવારો મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, વોકી-ટોકી કે અન્ય કોઈપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ઉપકરણો પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જઈ શકશે નહીં.

PSI સહિતની વિવિધ ભરતી પરીક્ષાઓ માટે વિશેષ આયોજન
આ જાહેરનામું ખાસ કરીને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજાનારી PSI, ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ UPSCની પરીક્ષાઓને ધ્યાને રાખીને જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ દ્વારા તમામ નાગરિકો અને પરીક્ષાર્થીઓને આ જાહેરનામાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Ahmedabad News: નાનોદરા-દેવધોલેરા માર્ગ 2 જ વર્ષમાં ખાડામાં ફેરવાયો, ઓવરલોડ ડંફરો સામે ગ્રામજનોમાં ભારે રોષ