અમદાવાદમાં યોજાનારી 149મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અને મિનિટ-ટુ-મિનિટ આયોજન અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે, અષાઢી બીજના દિવસે વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભગવાનની મંગળા આરતી કરવામાં આવશે.જેના માટે ભક્તો સરળતાથી દર્શન કરી શકે તેવી અલાયદી તૈયારીઓ કરાઈ છે.સવારે 7 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 8.30 વાગ્યા સુધીમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે પ્રકારનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને ઝીરો રિસ્ક પોલિસી હેઠળ તૈયાર કરવામાં આવી છે. 

ડ્રોન-એન્ટી ડ્રોન અને AI ટેકનોલોજીથી સજ્જ સુરક્ષા કવચ

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે, અમદાવાદમાં રથયાત્રા દરમિયાન 30 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે તૈનાત રહેશે અને કોઈપણ અફવા ફેલાવનારાઓ સામે સાયબર ક્રાઈમ અને કંટ્રોલ રૂમ દ્વારા કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજ નજર રાખવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.ટેકનિકલ વિંગ હેઠળ કાર્યરત 3600 સીસીટીવી કેમેરાનું લાઈવ ફીડ સીધું કંટ્રોલ રૂમમાં મેળવવામાં આવશે.જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રખાશે.પોકેટમારો અને અસામાજિક તત્વોને ડામવા પોલીસ પાસે 65000 જેટલા ગુનેગારોનો ડેટાબેઝ તૈયાર છે.હવામાંથી દેખરેખ રાખવા દર અડધા કિલોમીટરના અંતરે 100 જેટલા ડ્રોન કેમેરા પેટ્રોલિંગ કરશે અને સુરક્ષાના ભાગરૂપે એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ કાર્યરત રહેશે.આ ઉપરાંત રથયાત્રાના રૂટમાં આવતા તમામ ઊંચા ધાબા અને સંવેદનશીલ મકાનો પરથી પણ સુરક્ષા જવાનો નજર રાખશે.

રૂટ મોનિટરિંગ, જીપીએસ સિસ્ટમ અને ગજરાજોની ખાસ સુરક્ષા

આ વર્ષે રથયાત્રામાં જોડાનારા 18 ગજરાજો પર ખાસ જાયરોસ્કોપ ફિટ કરવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા માટે આગળ એક વિશેષ સ્ક્વોડ ચાલશે.યાત્રાના બંદોબસ્તમાં સૌથી આગળ ગજરાજની સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને વેટરનરી ડૉક્ટર્સની પેનલ હાજર રહેશે.યાત્રામાં જોડાનારા તમામ રથ અને મહત્વની ગાડીઓ પર GPS ટ્રેકર લગાવવામાં આવ્યા છે.જેથી કંટ્રોલ રૂમમાંથી દરેક મુવમેન્ટનું ચોક્કસ મોનિટરિંગ થઈ શકે.આ સાથે જ ડીજેના ઘોંઘાટ અને અવાજની મર્યાદા જળવાય તેની પણ કાળજી લેવામાં આવશે.સમગ્ર રૂટમાં 250 થી વધુ ડીપ પોઇન્ટ ઊભા કરાયા છે.જ્યારે મુવિંગ બંદોબસ્તની સંપૂર્ણ જવાબદારી ક્રાઈમ બ્રાન્ચ સંભાળશે.

તકેદારીના પગલાં, એજન્સીઓનું સંકલન અને નાગરિકોને અપીલ

શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે પોલીસે અત્યાર સુધીમાં 90 જેટલા અસામાજિક તત્વો સામે પાસા સહિત 5000 લોકો સામે અટકાયતી પગલાં લીધા છે.સુરક્ષા એજન્સીઓ જેવી કે ATS, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ વચ્ચે સતત સંકલન ચાલુ છે અને હાલ સુધી કોઈ નકારાત્મક ઇનપુટ્સ મળ્યા નથી.કટોકટીના સમય માટે 1000 જેટલા જવાનોને કમાન્ડો અને કંટ્રોલ રિઝર્વ તરીકે સ્ટેન્ડબાય રખાયા છે.રથયાત્રા જે 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં લોકલ કંટ્રોલ રૂમ અને તંબુ ચોકી ખાતે મીની કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે.પોલીસ કમિશનરે નાગરિકોને વિનંતી કરી છે કે યાત્રા દરમિયાન ધક્કામુક્કી ન કરવી નાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને અફવાઓથી દૂર રહી ઉત્સવને શાંતિપૂર્વક ઉજવવો.

આ પણ વાંચોઃ Gujarat News: પોરબંદરમાં ગ્રીન ફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટર બનાવવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી