કેન્દ્ર સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય દ્વારા ભારતની સ્વદેશી શિપબિલ્ડિંગ અને શિપ રિપેરિંગ ક્ષમતાને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા માટે ગુજરાતમાં બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.સરકારની શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આ મંજૂરી આપવામાં આવી છે.જેનો મુખ્ય હેતુ વિદેશી યાર્ડ્સ પર ભારતની નિર્ભરતા ઘટાડી દેશને આત્મનિર્ભર બનાવવાનો છે.મેરિટાઇમ અમૃતકાળ વિઝન 2047 અંતર્ગત આ પ્રોજેક્ટ્સ દરિયાઈ ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે.આ મંજૂરી હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લામાં અંદાજે 2 હજાર એકર જેટલી વિશાળ જમીન પર દેશનું અદ્યતન ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવામાં આવશે.
કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ કરવામાં આવશે
કેન્દ્ર સરકારના બંદરો અને જળમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના પોરબંદર જિલ્લામાં અદ્યતન ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે.આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને શિપબિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ગુજરાતના માધ્યમથી વિકસાવવામાં આવશે.પોરબંદરના કુચડી વિસ્તારમાં અંદાજે 2 હજાર એકર જેટલી વિશાળ જમીન પર સાકાર થનારા આ ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, સહાયક ઉત્પાદન એકમો, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ કરવામાં આવશે.
